કેડબરીના ઉત્પાદનો બેક્ટેરિયાથી ‘દૂષિત’ થયાની ભીતી

મુંબઈઃ ઓલ ફૂડ એન્ડ ડ્રગ લાઈસન્સ હોલ્ડર ફાઉન્ડેશન સંસ્થાએ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) વિભાગને લેખિતમાં વિનંતી કરી છે કે તે મહારાષ્ટ્રમાં વેચાઈ રહેલા કેડબરીના ઉત્પાદનો લિસ્ટેરિયા વાઈરસથી દૂષિત થયાની સંભાવના હોવાથી તેના વિશે એક તપાસ હાથ ધરવામાં આવે, એમ ફ્રી પ્રેસ જર્નલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આ મહિનાના આરંભમાં બ્રિટન અને આયરલેન્ડમાં કેડબરીના બ્રાન્ડના છ ડેસર્ટ્સ લિસ્ટેરિયાથી દૂષિત થયા હોવાની શંકા પરથી તેનો માલ ઉત્પાદકોએ પાછો મગાવ્યો હતો. ડેરી કંપની મ્યૂલરે ગ્રાહકો જોગ સંદેશ બહાર પાડ્યો છે કે તેઓ ઉત્પાદનો ખાય નહીં અને એમણે જ્યાંથી ખરીદ્યા હોય તે સ્ટોરમાં જઈને તેને પરત કરી દે.

અસરગ્રસ્ત ઉત્પાદનો છેઃ કેડબરી ડૈમ ચોકલેટ ડેસર્ટ 75 ગ્રામ, કેડબરી ક્રન્ચી ચોકલેટ ડેસર્ટ 75 ગ્રામ, કેડબરી ફ્લેક ચોકલેટ ડેસર્ટ 75 ગ્રામ, કેડબરી ડેરી મિલ્ક બટન્સ ચોકલેટ ડેસર્ટ 75 ગ્રામ, કેડબરી ડેરી મિલ્ક ચન્ક્સ ચોકલેટ ડેસર્ટ 75 ગ્રામ અને કેડબરી હીરોઝ ચોકલેટ ડેસર્ટ 75 ગ્રામ

ઓલ ફૂડ એન્ડ ડ્રગ લાઈસન્સ હોલ્ડર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ અભય પાંડેનું કહેવું છે કે કેડબરીના આ ઉત્પાદનો ભારતની બજારોમાં પણ વેચાય છે. તેથી એવી સંભાવના છે કે આ વાઈરસ ભારતનાં લોકોમાં પણ ફેલાઈ શકે છે. તેથી અમે વિનંતી કરીએ છીએ કે કેડબરી બ્રાન્ડેડ ડેસર્ટ પ્રોડક્ટ્સના નમૂનાઓની ચકાસણી કરવામાં આવે અને જરૂરી પગલું ભરવામાં આવે.

લિસ્ટેરિયા ચેપને લિસ્ટેરિયોસીસ કહેવામાં આવે છે. તેના લક્ષણો ફ્લૂ જેવા જ હોય છે. જેમાં શરીરનું તાપમાન વધી જાય, સ્નાયૂઓમાં દુખાવો થાય, શરીરમાં ઠંડી લાગે, અસ્વસ્થ જેવું લાગે અને ઝાડા-ઉલટી થાય.