શરદ પવારે રાજીનામું પાછું ખેંચ્યું, પણ ઉત્તરાધિકારીની પસંદગીનો આગ્રહ રાખ્યો

મુંબઈઃ પક્ષની નિર્ણાયક સમિતિએ રાજીનામું નામંજૂર કરતાં શરદ પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના રાષ્ટ્રીય પ્રમુખપદેથી આપેલું રાજીનામું આજે પાછું ખેંચી લીધું છે. એમણે કહ્યું છે કે હું વિરોધપક્ષોની એકતા સાધવાનું કાર્ય કરીશ.

અહીં પત્રકાર પરિષદમાં એમણે પોતાના નિર્ણયની જાહેરાત કરી હતી. એમણે કહ્યું કે મારા રાજીનામાથી અમારા પક્ષના કાર્યકર્તાઓ પણ ખુશ થયા નહોતા. હું મારા પક્ષના કાર્યકર્તાઓ અને શુભચિંતકોની લાગણીનો અનાદર કરી શકું નહીં, જેમણે મને મારા નિર્ણય વિશે ફેરવિચારણા કરવા કહ્યું હતું. મારા પર એમનો પ્રબળ વિશ્વાસ અને લાગણીની જીત થઈ છે. સમિતિના નિર્ણયને માન આપીને હું મારું રાજીનામું પાછું ખેંચું છું. મારા રાજીનામાના નિર્ણયથી મારી દીકરી સુપ્રિયા સુળે પણ ખુશ થઈ નહોતી. હું રાષ્ટ્રીય પ્રમુખપદ ફરી સ્વીકારું છું, પરંતુ મારા ઉત્તરાધિકારીની આવશ્યક્તા છે.