મુંબઈઃ નવરાત્રી તહેવાર નિમિત્તે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સૂચનાને પગલે મુંબઈ મેટ્રોની બે લાઈન – 2A અને 7, જે અંધેરી અને દહિસરના ઉપનગરો વચ્ચે પૂર્વ અને પશ્ચિમ, બંને ભાગમાં કાર્યરત છે, તેની સેવાનો સમય રાતે લંબાવવામાં આવ્યો છે.
મહામુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશને ટ્વીટમાં જણાવ્યું છે કે, શહેરનાં લોકો નવરાત્રી ઉત્સવ આનંદથી ઉજવી શકે એ માટે 19 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી મેટ્રો રૂટ 2A અને 7 પર વિસેષ મેટ્રો સેવા ઉપલબ્ધ કરાશે. અતિરિક્ત મેટ્રો ફેરી કરવામાં આવશે. ગુંદવલી-દહિસર અને અંધેરી (પશ્ચિમ) સ્ટેશનોથી રાતે છેલ્લી ટ્રેન 12.20 વાગ્યે રવાના થશે.
આ બંને લાઈન પર રાતે 10.30 અને મધરાત બાદ 12.20 વાગ્યા વચ્ચે 14 અતિરિક્ત સેવા ઉપલબ્ધ કરવામાં આવશે.
નવા ફેરફારમાં, ગુંદવલી સ્ટેશનેથી મધરાત બાદ 12.20 વાગ્યે છૂટનારી ટ્રેન રાતે 1.33 વાગ્યે અંધેરી વેસ્ટ સ્ટેશને પહોંચશે. એવી જ રીતે, અંધેરીથી મધરાત બાદ 12.20 વાગ્યે છૂટનારી આખરી ટ્રેન 1.33 વાગ્યે ગુંદવલી સ્ટેશને પહોંચશે. આમ, ઉત્તર મુંબઈના ઉપનગરોમાં મોડીરાત સુધી નવરાત્રીમાં ગરબા-દાંડિયા રાસનો આનંદ માણતાં લોકોને એમનાં ઘેર પહોંચાડવામાં મેટ્રો ટ્રેનની સુવિધા ઉપલબ્ધ રહેશે. અતિરિક્ત 14 ટ્રેન ટ્રિપ વચ્ચેનો સમયગાળો (ફ્રીક્વન્સી) 15-મિનિટનો રહેશે. સપ્તાહાંત અને શનિવાર અને રવિવારના દિવસોએ લોકોને 219થી લઈને 267 ટ્રિપ ઉપલબ્ધ થશે.
લાઈન 7 પરની ટ્રેનો અંધેરી પૂર્વમાં ગુંદવલીથી પશ્ચિમ એક્સપ્રેસ હાઈવેના એલિવેટેડ કોરિડોરમાં દહિસર પૂર્વ સુધી દોડે છે જ્યારે દહિસર (પૂર્વ)થી ન્યૂ લિન્ક રોડ પર અંધેરી પશ્ચિમ સુધીની લાઈન 2A કહેવાય છે. આ બંને સેવા ‘U’ શેપમાં છે.
