મુંબઈઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી-મુંબઈ મહાનગરપાલિકા)એ એવા અનાથ બાળકોને શોધી કાઢવા એક સર્વેક્ષણ કામગીરી શરૂ કરી છે, જેમણે મુંબઈમાં કોરોનાવાઈરસ બીમારીને કારણે એમનાં માતા અને પિતા, બંનેને ગુમાવી દીધાં છે.
મહાપાલિકા વહીવટીતંત્ર તરફથી તમામ વોર્ડ ઓફિસરોને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ આવકવેરા વિભાગની મદદ લે તેમજ કોરોના રોગને કારણે મૃત્યુ પામેલા શહેરીજનોની યાદી ચેક કરે. આ રોગને કારણે માતા-પિતા, બંનેને ગુમાવી દેનાર અનાથ બાળકોની કાળજી મહારાષ્ટ્ર મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) લેશે. વોર્ડ ઓફિસરોને એમ પણ કહેવામાં આવ્યું છે કે તેઓ પોતપોતાના વોર્ડમાં કોવિડથી થયેલા મૃત્યુની વિગતોનો અભ્યાસ કરે અને અનાથ થયેલા બાળકોને શોધવામાં મદદ કરે. અનાથ બાળકોની સંભાળ લેવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ તથા દાનેશ્વરી લોકો પણ આગળ આવી રહ્યાં છે અને એમની પાસેની વિગતો મહાપાલિકાને આપી રહ્યાં છે.