મુંબઈઃ ખુમારી અને ખુદારી સાથેનું જબરદસ્ત વ્યકિતત્વ ધરાવતા, ઘેઘુર સાથે મધુર અવાજ ધરાવતા કવિ અને સંચાલક મેહુલ-સુરેન ઠાકરની ‘સ્મૃતિ સભા’નું આયોજન તા.૨૦ ઓગસ્ટે સાંજે કાંદિવલીમાં કરાયું છે. લોકપ્રિય કવિ ઉપરાંત પ્રોફેસર, લોકસાહિત્યને પોતાની અનોખી વાણી અને કંઠમાં રજૂ કરવામાં માહેર મેહુલભાઈની યાદોને વરસાવતી એક સાંજનું આયોજન કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ)ના ગુજરાતી ભાષા ભવન અને પરિવર્તન પુસ્તકાલય તેમ જ સાહિત્ય, કળા અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસારનું કાર્ય કરતી સંસ્થા ‘સંવિત્તિ’ દ્રારા સંયુક્તપણે કરાયું છે.
આ પ્રસંગે કેઈએસની વિધાર્થિનીઓ-રાધિકા કુચડિયા, દિશા મકવાણા, ખુશી મશરુ, એસએનડીટીની વિધાર્થિનીઓ ગોપી શાહ, નિકિતા પોરિયા, અનિષા ગાંધી, અંજલિ શાહ, આલ્ફા દેસાઈ, પુજા પંડ્યા, પ્રીતા પંડ્યા અને જયના શર્મા દ્વારા મેહુલભાઈની રચનાઓનું આગવી શૈલીમાં પઠન કરાશે. મેહુલભાઈ સાથેના સંભારણા જાણીતા સાહિત્યકાર-ચિંતક અને ભાષા ભવનના અધ્યક્ષ દિનકરભાઈ જોશી સહિતની હસ્તીઓ વાગોળશે. દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી મેહુલભાઈના પઠન-સંચાલનને પણ રજૂ કરાશે. આ અવસરે મેહુલભાઈના દીકરી અર્ચનાબેન સહિત પરિવારના અમુક સભ્યો પણ હાજર રહેશે. કાર્યક્રમનું સંચાલન જાણીતા કવિ સંજય પંડ્યા કરશે.
કાર્યક્રમનું સ્થળ – જયંતિલાલ લૉ કોલેજ, બીજા માળે, કાંદિવલી રિક્રીએશન કલબની લાઈનમાં, ઓફ્ફ મથુરાદાસ રોડ, ફડિયા રોડ, કાંદિવલી-વેસ્ટ, મુંબઈ. વાર-શનિવાર, સાંજે ૫.૩૦.(સમયસર). બેઠક વ્યવસ્થા ‘વહેલો તે પહેલો’ ધોરણે રહેશે.