મુંબઈની પડોશના બોઈસરમાં કેમિકલ કારખાનામાં ભીષણ આગ, 3 કામદારનાં મરણ

મુંબઈ – પડોશના પાલઘર જિલ્લાના બોઈસર નગરમાં મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમઆઈડીસી) વિસ્તારમાં એક કેમિકલ કારખાનામાં ગઈ મધરાત બાદ લગભગ દોઢ વાગ્યે ભીષણ આગ લાગતાં ત્રણ કામદારનું મોત થયું છે અને બીજાં 12 જણ ઘાયલ થયા છે.

પાલઘરના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ મંજુનાથ સિંગેએ કહ્યું કે, આગ બોઈસર-તારાપુર એમઆઈડીસી ઈન્સ્ડસ્ટ્રિયલ વિસ્તારમાં નોવાફીન સ્પેશિયાલિટી લિમિટેડના કારખાનામાં લાગી હતી અને ઝડપથી બાજુના કારખાનાઓમાં પણ ફેલાઈ હતી.

આગ બોઈલર ફાટવાને કારણે લાગી હતી. મૃત્યુ પામનાર કેમિકલ કંપનીના કર્મચારીઓ હતા. એમના નામ છે – પિંટૂ કુમાર, જનૂ અડારિયા અને આલોક નાથ.

ધડાકો એટલો બધો ભયાનક હતો કે 20 કિ.મી. સુધીના વિસ્તારમાં એનો અવાજ સાંભળી શકાયો હતો.

આગની જ્વાળાઓ બાજુના ત્રણ કેમિકલ સહિત છ કારખાના સુધી ફેલાઈ હતી. એને કારણે બીજા અનેક ધડાકાઓ થયા હતા.

આગની જાણ થયા બાદ તરત જ અગ્નિશામક દળ, પોલીસ, રેવેન્યૂ અધિકારીઓ અને જવાનો તથા મેડિકલ ટૂકડીઓ પહોંચી ગઈ હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.

આગમાં કેમિકલ કારખાનું સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું છે. આગને કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં ધૂમાડો ફરી વળ્યો હતો.

httpss://twitter.com/sagarjourno/status/971852139571036160

ઈજા પામેલા 12 જણની હાલત ગંભીર છે. એમને સવારવાર માટે ત્રણ અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

અગ્નિશામક દળના જવાનોએ તરત જ ઘટાનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી શરૂક રી દીધી હતી. આગ બુઝાવવામાં તેઓ સફળ થયા હતા, પણ ધૂમાડાને કારણે જવાનોને ખૂબ મહેનત કરવી પડી હતી.

ધડાકાને કારણે પાલઘર શહેર ઉપરાંત જિલ્લાના ઉમરોળી, સાતપાટી, કેળવા અને ચિંચણી સહિત અનેક ગામોના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જાણે કોઈ ભૂકંપ આવ્યો હોય એવો અવાજ લાગતાં લોકો ગભરાટના માર્યા પોતપોતાના ઘરોમાંથી બહાર રસ્તા પર દોડી ગયા હતા. આ અવાજ ભૂકંપનો નહોતો એની ખાતરી થયા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]