એસપી અને બીએસપીએ હાથ મીલાવ્યાંઃ BJP હારશે?

રામમંદિર માટેનું આંદોલન દેશભરમાં ફેલાયું પછી હિન્દી પટ્ટાના ચાર રાજ્યોમાં ભાજપને સત્તા મળી હતી. ભાજપ શક્તિશાળી બની રહ્યો છે તેનો અણસાર મળી ગયો હતો, પણ પ્રાદેશિક પક્ષોને બહુ ચિંતા નહોતી. પ્રાદેશિક પક્ષોને કોંગ્રેસ નબળી પડી રહી છે તેનો આનંદ હતો. વર્ષોથી પ્રાદેશિક પક્ષોએ કોંગ્રેસ સામે લડત આપી હતી. સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં પણ કોંગ્રેસની સામે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી લડી રહી હતી. જોકે આ રાજ્યમાં ભાજપને પણ સત્તા મળી ગઈ તે પછી બંને પક્ષો માટે હવે એક નવો હરીફ ઊભો થયો હતો.દરમિયાન 1993માં એસપી અને બીએસપીએ જોડાણ કર્યું હતું, જેથી સત્તા મળી શકે. પણ એ જોડાણ માત્ર સત્તા ખાતરનું હતું, વિચારસરણી આધારિત નહોતું. કોંગ્રેસવિરોધ અને ભાજપવિરોધ અથવા બીજા શબ્દોમાં કહીએ તો રાષ્ટ્રીય પક્ષવિરોધી રાજકારણ તેમનું નહોતું. સત્તા મળ્યા પછી બંને પક્ષોનું પોતપોતાનું રાજકારણ આમનસામને આવ્યું હતું. બીએસપીના દલિત ઉદ્ધાર સામે એસપીના ઓબીસી અને મુસ્લિમ હિતનું રાજકારણ સામસામે હતું. દલિતોને એ પણ સમજાયું હતું કે શોષણ કરવાનું આવે ત્યારે માત્ર ઉપલો વર્ગ નહિ, ઓબીસી વર્ગ પણ તેમનું શોષણ કરે.

તેથી બીએસપીની મહત્ત્વાકાંક્ષા એકલે હાથે સત્તા મેળવવાની હતી. ભાજપે તે મહત્ત્વાકાંક્ષાને હવા આપી હતી. બહારથી ટેકો આપીને માયાવતીની સરકાર બનાવવા માટે ભાજપ મદદ કરવા તૈયાર હતો. તેના કારણે એસપી અને બીએસપી વચ્ચેનું ગઠબંધન તૂટી પડ્યું હતું.

ગઠબંધન થાય અને તૂટે તેમાં નવાઈ નથી, પણ જે ઘટનાક્રમ થયો તેના કારણે અંગત કડવાશ આવી ગઈ હતી. મુલાયમસિંહની સરકારને આપેલો ટેકો પાછો ખેંચવાની જાહેરાત કરી તે પછી માયાવતી સામે ભારે ખુન્નસ એસપીના કાર્યકરોએ દાખવ્યું હતું. લખનૌમાં એક સરકારી ગેસ્ટ હાઉસમાં માયાવતી રોકાયા હતાં. તે ગેસ્ટ હાઉસને ઘેરી લેવાયું હતું અને મામલો બહુ ઉગ્ર થઈ ગયો હતો. માયાવતીને લાગ્યું હતું કે પોતાને રાજકીય રીતે નહીં, પણ સાચોસાચ ખતમ કરી દેવાશે. મુલાયમસિંહ સામે તેમનો એ રોષ કદી શમ્યો નથી. સામી બાજુ માંડમાંડ આવેલી સત્તા ભાજપે માયાવતીને ભોળવીને પડાવી લીધી તે વાતે મુલાયમ પણ નારાજ હતાં. ભાજપ થોડા વખત પછી માયાવતીને નબળાં પાડી દેશે તે વાત માયાવતી નથી સમજતાં તેનો વસવસો મુલાયમને હતો.

પરિણામે યુપીના બે શક્તિશાળી પ્રાદેશિક પક્ષો વચ્ચે કાયમી દુશ્મનાવટ થઈ ગઈ. ગત લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ પણ એસપીનો જૂનિયર સાથી બનવા તૈયાર થયો, પણ માયાવતી ટસ ના મસ થયા નહોતાં. પરિણામે ભાજપને 71 બેઠકો મળી ગઈ. એ ઝટકો એસપી અને બીએસપી બંને માટે ભારે હતો. બીજું કોંગ્રેસ સામે લડત ચાલતી હતી, ત્યારે કોંગ્રેસની ગતિ ધોવાણ તરફ હતી. ધીમેધીમે કોંગ્રેસ ખતમ થઈ રહી છે તે સૌ જાણતા હતાં. ભાજપ સામે હવે લડાઇ છે ત્યારે ભાજપ ધીમેધીમે મજબૂત બની રહ્યો છે. કોંગ્રેસની જગ્યાએ રાષ્ટ્રીય પક્ષ તરીકે ભાજપ એકમાત્ર પક્ષ રહ્યો છે.ભાવિના આ અણસાર પામીને એસપી અને બીએસપીએ માન્યામાં ના આવે તે રીતે પેટાચૂંટણીમાં હાથ મીલાવ્યાં છે. યોગી આદિત્યનાથ સીએમ બન્યાં તેથી ગોરખપુર અને કેશવપ્રસાદ મૌર્ય ડેપ્યુટી સીએમ બન્યાં તેથી ફુલપુર એમ બે લોકસભા બેઠકોની ચૂંટણી આવી છે. માયાવતીએ જાહેરાત કરી છે કે બંને બેઠકો પર તે પોતાના ઉમેદવારો ઊભા નહીં રાખે. પોતાના ટેકેદારો ભાજપને હરાવવા માટે પ્રચાર કરશે એમ પણ તેમણે કહ્યું છે.

એસપી સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે તેવા શબ્દો તેમણે હજી પણ વાપર્યા નથી. આ માત્ર મજબૂરીની ગણતરી છે તે તેમણે સ્પષ્ટ કર્યું છે. ભાજપને હરાવવાનું લક્ષ્ય છે, પોતાના પક્ષને કે એસપીને મજબૂત કરવાનું લક્ષ્ય નથી. બદલામાં રાજ્યસભાની એક બેઠક પર બીએસપીના ઉમેદવારને ટેકો આપવામાં આવશે. માયાવતી પોતે રાજ્યસભાના ઉમેદવાર બનશે તેવી શક્યતા હતી, પણ હવે તેમણે ભીમરાવ આંબેડકર નામના પક્ષના જૂના નેતાનું નામ જાહેર કર્યું છે. કોઈના સમર્થન વિના પોતે સંસદમાં ન પહોંચી શકે તેવું માયાવતી કદાચ બતાવવા માગતાં નથી. પોતાની તાકાત પર લોકસભામાં ફરી પહોંચવું એવી તેમની ગણતરી હોઈ શકે છે.

એ ગણતરી માટે લોકસભાની આગામી ચૂંટણી અગત્યની સાબિત થવાની છે. તે માટેનો આ એક ટેસ્ટ છે. સીધું ગઠબંધન કર્યા વિના સમજૂતી કરીને ચૂંટણી લડવામાં આવે તો ફાયદો થાય કે કેમ તેનો આ ટેસ્ટ છે. બીજું પોતાના કાર્યકરો વધુ એકવાર માયાવતી કહે તેમને મતો આપવા તૈયાર થશે કે કેમ તે પણ સવાલ છે? ભૂતકાળમાં જુદાજુદા પક્ષોનો સાથ માયાવતીએ લીધો છે. એટલું જ નહીં, એક દાયકા પહેલાં બ્રાહ્મણ મતો માટે પુષ્કળ ટિકિટો આપીને જીત મેળવી હતી. તે પ્રયોગ પણ ટૂંકો નીવડ્યો હતો.

એટલે આ પેટાચૂંટણીમાં એકથી વધારે પ્રયાગો થશે. એસપી અને બીએસપી કઈ રીતે સાથે કામ કરી શકે તેનો પ્રયોગ થશે. કોંગ્રેસ પણ સમર્થન આપશે તેથી મહામોરચાનો ટેસ્ટ થશે. મુલાયમ અને અખિલેશ વચ્ચેનો ઝઘડો દેખાવ ખાતરનો નહોતો. બાપબેટા વચ્ચે સાચો વિખવાદ થયો છે તેમ લાગે છે. ત્યારે અખિલેશની નેતાગીરીનો પણ ટેસ્ટ થશે. માયાવતીને ફોઇબા કહીને જોડાણ માટેની પહેલ અખિલેશે કરી હતી.

પણ સવાલ એ છે કે માત્ર જોડાણ કરીને ભાજપને અટકાવવાની સ્ટ્રેટેજી કેટલી કામ આવે? વર્ષો સુધી કોંગ્રેસ સામે વિપક્ષ એક થયાં કરતો હતો, પણ સત્તા મળતી નહોતી. સત્તા મળી હતી છેક કટોકટી પછી, કેમ કે એક મુદ્દો ઊભો થયો હતો અને તે મુદ્દા પર કોંગ્રેસને હરાવી શકાય હતી. તે મુદ્દો જતો રહ્યો કે તરત જ ફરી ઇન્દિરા ગાંધી જીતી ગયાં હતાં. 1996 અને 1998માં પણ માત્ર ભાજપને (કે કોંગ્રેસને) સત્તામાંથી બહાર રાખવાની ગણતરીથી થયેલા ગઠબંધનો લાંબા ચાલ્યાં નહોતાં. આખરે કોંગ્રેસની યુપીએ અને ભાજપની એનડીએ એ બે ધારા તૈયાર થઈ. બંને ધારાની પોતપોતાની મજબૂત વિચારધારા છે. તેના કારણે પ્રમાણમાં ટકાઉ ગઠબંધનો તૈયાર થયાં અને રાષ્ટ્રીયસ્તરે આ બે ગઠબંધનો વચ્ચે સ્પર્ધા છે. પ્રાદેશિક સ્તરે પણ હવે લગભગ એ જ ગઠબંધન સામસામે છે, અમુક અપવાદને બાદ કરતા.

તો માત્ર ભાજપને અટકાવવા માટેનું ગઠબંધન કામ આવશે ખરું? યુપીએ અને એનડીએની જેમ એક ત્રીજો મોરચો તૈયાર થાય, પણ તેની મૂળભૂત વિચારધારા શું હશે? આનો જવાબ મળતો નથી. બીજી બાજુ ભાજપ પાસે આ પ્રકારના જોડાણનો સામનો કરવાની ચકાસેલી સ્ટ્રેટેજી નક્કી છે. ભાજપે પ્રયત્નપૂર્વક ઓબીસી જૂથમાં ભાગલા પાડી એક જૂથને પોતાની સાથે લીધું છે. ઓબીસીમાં પણ અતિપીછડાને અલગ પાડી દીધાં છે. દલિતોમાં મહાદલિતોનું જૂથ ઓલરેડી હતું. ભાજપે દલિતોમાં પણ માત્ર વિકાસનો મુદ્દો આગળ કરીને સાત દાયકામાં સૌથી વધુ લાભ લેનારા દલિત જૂથમાં વધુ એસ્પિરેશન ઊભું કરીને પોતાની સાથે લીધું છે. આદિવાસીઓમાં પણ એ જ રીતે ભાજપે પ્રવેશ મેળવ્યો છે. એટલે હવે કોઈ બે કે ત્રણ જૂથો ભેગા થાય તેની સામે ભાજપ બાકીના જૂથોને એક કરી શકે છે. વ્યાપક હિન્દુત્વના મુદ્દા સાથે સ્થાનિક મુદ્દાઓને, મજબૂત વહીવટ આપવના મુદ્દાને જોડી શકે છે. એટલે માત્ર મતજૂથોને ભેગા કરીને નહીં, બાકીના મુદ્દે પણ વિકલ્પ આપવો પડશે. નહીં તો માત્ર બીએસપી અને એસપીની જેમ એકાદવાર ફાયદો થાય પણ ખરો, પરંતુ બીજીવાર કે લાંબા ગાળાનો ફાયદો ના થાય. ભાજપ સામે ભાજપ જેવો જ મજબૂત વિકલ્પ આપવા પક્ષોએ વિચારવું રહ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]