મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું છે કે રાજ્યમાં બ્લેક ફંગસ અથવા મ્યૂકોરમાઈકોસીસ ચેપી બીમારીના કેસ વધી રહ્યા છે અને તેની સારવાર માટેની દવા એમ્ફોટેરીસીન-B ની 60,000 શીશી રાજ્યને આવતી 1 જૂનથી ઉપલબ્ધ થવાનું શરૂ થશે. રાજ્ય સરકારને આ દવા તેણે બહાર પાડેલા ગ્લોબલ ટેન્ડર મારફત મળશે. આ ઉપરાંત તેને કેન્દ્ર સરકારે કરેલી ફાળવણીમાંથી પણ આ દવા મળશે.
ટોપેએ રાજ્યમાં મ્યૂકોરમાઈકોસીસ અને કોરોનાવાઈરસના કેસો અંગેની સમીક્ષા બેઠકમાં હાજરી આપ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે રાજ્યમાં મ્યૂકોરમાઈકોસીસના 2,245 દર્દીઓ છે. એમાંના 1,007 દર્દીઓને મહાત્મા જ્યોતિરાવ ફૂળે જન આરોગ્ય યોજના અંતર્ગત સારવાર આપવામાં આવી રહી છે. આ દર્દીઓની સારવારનો તેમજ એની દવાનો, એમ તમામ ખર્ચ સરકાર ઉઠાવી રહી છે. ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરાયેલા મ્યૂકોરમાઈકોસીસના દર્દીઓની સારવારના ખર્ચ ઉપર પણ મર્યાદા બની રહે એ માટે સરકાર પગલાં લઈ રહી છે.