એક-કરોડના ચરસ સાથે 75 વર્ષની મહિલાની ધરપકડ

મુંબઈઃ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. મુંબઈ ક્રાઇમ શાખા યુનિટ-7એ શનિવારે સાંજે બાંદરા વિસ્તારમાં બે ડ્રગ પેડલરની ધરપકડ કરી છે, જેમાં એક 75 વર્ષીય મહિલા પણ સામેલ છે. તેના ઘરેથી રૂ. એક કરોડથી વધુના મૂલ્યનું ચરસ જપ્ત કરવામાં આવ્યું હતું. ડ્રગ પેડલરની પાસે 3.800 કિલો મનાલી ચરસ જપ્ત કરવામાં આવ્યું હતું. આ જપ્ત કરવામાં આવેલા પદાર્થની કિંમત રૂ. 1,18,80,000 છે. પોલીસે રવિવારે આ વિશે માહિતી આપી હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-7ના અધિકારીને ગુપ્ત સૂચના મળી હતી કે બાંદરા પશ્ચિમના વોટર ફીલ્ડ રોડ, ચિંચવાદી, સાને ગુરુજી સેવમંડલની પાસે એક 55 વર્ષીય શખસ ચરસ વેચવા માટે આવવાનો છે, જે પછી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જાળ બિછાવીને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની પાસે પોલીસે સાત ચરસના ગોળા જપ્ત કર્યા છે.

જ્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવી કે તે ચરસ ક્યાંથી લાવ્યો અને ક્યાં વેચવા માટે જઈ રહ્યો હતો. ત્યારે આરોપીએ જણાવ્યું હતું કે તેણે એક મહિલા પાસેથી એ લીધું હતું, જે પછી અધિકારીઓએ 75 વર્ષીય મહિલાના ઘરે જઈને દરોડા કર્યા અને તેના ઘરેથી 3.800 ગ્રામ મનાલી ચરસ જપ્ત કર્યું હતું. બંને ડ્રગ પેડલરને રવિવારે કોર્ટમાં રજૂ કર્યા હતા, જે પછી કોર્ટે બંને જણને 27 મે સુધી ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં મોકલી દીધા છે.