આ રવિવારે યુટ્યુબ પર ‘વાગીશ્વરીનું કર્ણફૂલ’

મુંબઈઃ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સર્જક અને વિવેચકની બેવડી ભૂમિકામાં વિવિધ વળાંકો આપનાર યુગપ્રવર્તક સાહિત્યકાર સુરેશ જોષીના ૧૦૧મા જન્મદિને, આ રવિવારે – ૩૦ મે, રાત્રે ૯ વાગ્યે ભવન કલા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર આ અવસરે ખાસ તૈયાર કરવામાં આવેલો કાર્યક્રમ “વાગીશ્વરીનું કર્ણફૂલ” રજૂ થશે.

ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રના સથવારે સાહિત્ય કલા સંપદા દ્વારા રજૂ થનારા આ કાર્યક્રમની પરિકલ્પના, નાટ્યરૂપ અને સાભિનય રજૂઆત વરિષ્ઠ ગઝલકાર શોભિત દેસાઈના છે. વિખ્યાત ગાયક – સ્વરકાર રજત ધોળકિયાનો સ્વર આ રજૂઆતની વિશિષ્ટતા છે. સમીર સુરેન્દ્ર શાહના સૌજન્યથી રજૂ થતા આ કાર્યક્રમના સંયોજકો છે- ઉદયન ઠક્કર તથા નિરંજન મહેતા.