મહારાષ્ટ્રમાં કોરોનાઃ સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ગઈ કાલે પહેલી જ વાર એવું બન્યું હતું કે કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યાની સામે આ બીમારીથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી ગઈ હતી. રાજ્ય સરકાર, સ્થાનિક વહીવટીતંત્રો અને આમજનતા માટે આ ઘણા રાહતના સમાચાર છે.

ગઈ કાલે, રાજ્યમાં કોવિડ-19ના નવા 48,700 કેસ નોંધાયા હતા, જ્યારે ડિસ્ચાર્જ કરાયેલા દર્દીઓની સંખ્યા 71,736 હતી. આ સાથે, રાજ્યમાં આ બીમારીથી સાજા થયેલા દર્દીઓનો કુલ આંક 36,01,796 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 82.92 ટકા છે. ગઈ કાલે રાજ્યમાં કોરોનાને કારણે વધુ 524 મૃત્યુ નોંધાયા હતા. આ સાથે કુલ મરણાંક વધીને 65,284 થયો છે. હાલ 39,78,420 લોકો હોમ ક્વોરન્ટીન છે અને 30,398 લોકો સંસ્થાકીય ક્વોરન્ટીન છે. ગઈ કાલે મુંબઈમાં 60 હજારથી વધારે લોકોએ કોરોના પ્રતિરોધક રસી લીધી હતી.