મુંબઈઃ શહેર તથા મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાઈરસના કેસોની સંખ્યા ગંભીર રીતે વધી જતાં આ રોગચાળાનો ફેલાવો રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં લોકડાઉનની મુદતને ફરી લંબાવવાનો નિર્ણય લીધો છે. સરકારે લોકડાઉનને 31 જુલાઈ સુધી લંબાવી દીધું છે.
ગયા માર્ચ મહિનાથી લાગુ કરાયેલા લોકડાઉનમાં ભાગરૂપે મુંબઈમાં આજથી ‘બે કિલોમીટર’નો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેથી લોકો બિનજરૂરી રીતે એમના ઘર અને વિસ્તારની બહાર ન નીકળે.
આ નિયમ અનુસાર, લોકોએ એમના ઘેરથી માત્ર 2 કિ.મી. સુધીના જ અંતરના વિસ્તારમાં જ પગપાળા કે વાહન દ્વારા અવરજવર કરવી. પોલીસે આ નવા નિયમનો આજે સવારથી સખ્તાઈપૂર્વક અમલ શરૂ કરવા ઠેર ઠેર નાકાબંધી લાગુ કરતાં અસંખ્ય લોકો ફસાઈ ગયા.
મુંબઈ પોલીસ પ્રવક્તા પ્રણય અશોકે ગઈ કાલે જ કહ્યું હતું કે લોકોએ માત્ર ઓફિસમાં જવા માટે કે આવશ્યક કામકાજ માટે અને ઈમરજન્સી સારવાર કરાવવા જેવી સ્થિતિમાં જ ઘરથી બે કિલોમીટર દૂરના સ્થળે જવું. અન્યથા કોઈને પણ બે કિલોમીટરથી આગળ જવાની છૂટ નથી. ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે બે કિલોમીટરના દાયરાથી બહાર જવાની સખત મનાઈ છે.
પોલીસો આજે સવારથી દરેક વાહનને રોકીને એના ચાલકને પૂછતા હતા કે ‘બે કિ.મી.થી આગળ શા માટે જવું છે?’ પોલીસો એ માટે ચાલક પાસેથી પ્રૂફ માગતા હતા અને વાજબી ખુલાસો કરવાનું કહેતા હતા. જે લોકો પ્રૂફ આપી શકતા નહોતા એમની પાસેથી દંડ વસુલ કરવામાં આવતો હતો કે એમનું વાહન જપ્ત કરવામાં આવતું હતું. આને પરિણામે હાઈવે સહિતના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર થંભી ગયો હતો અને વાહનોની લાંબી કતાર લાગી હતી. ‘અનલોક’ને કારણે કામ-ધંધે નીકળેલા લોકો આ મુસીબતને કારણે અટવાઈ ગયા હતા.
ટ્રાફિક જામની સમસ્યા ઉત્તર અને પશ્ચિમ મુંબઈમાં દહિસર ચેક નાકા, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, સ્વામી વિવેકાનંદ રોડ પર તથા મધ્ય અન પૂર્વ ભાગમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, મુલુંડ ચેકનાકા, ચેંબૂર, હિંદમાતા, સાયન જેવા સ્થળો ખાતે જોવા મળી હતી. શહેરમાં એવા અડધો ડઝનથી પણ વધારે સ્પોટ છે.
ટ્રાફિક જામને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પણ સંપૂર્ણપણે ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું.
પોલીસનું કહેવું છે કે એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે તે છતાં ઘણા લોકો એમના વાહનોમાં પિકનિકના મૂડમાં ફરતા કે શહેરના રસ્તાઓ પર બિનજરૂરી રીતે ફરતા જોવા મળ્યા હતા એટલે જ સખ્તાઈભર્યો નિયમ લાગુ કરવો પડ્યો છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ હજી ગઈ કાલે જ રાજ્યવ્યાપી સંબોધનમાં કહ્યું હતું કે આપણે હવે ફરી લોકડાઉનમાં જવું નથી, પરંતુ જો લોકો મોઢા પર માસ્ક ફરજિયાત પહેરીને ઘરની બહાર નીકળવાના કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા જેવા નિયમોનું પાલન નહીં કરે અને કોરોના કેસ વધશે તો સખ્તાઈ લાગુ કરવી પડશે.
‘અનલોક’ દરમિયાન લોકોને વ્યાયામ કરવા માટે ખુલ્લા મેદાનમાં કે બગીચામાં જવાની છૂટ આપી છે, પરંતુ હવે પોલીસે કહ્યું છે કે આ છૂટ બે કિલોમીટરથી આગળ જવા માટે નથી. લોકોએ નિવાસસ્થાનની બે કિલોમીટરના અંતરમાં જ આવેલી દુકાનો, બજારો, સલૂન, બ્યુટી પાર્લર કે ઉદ્યાનોમાં જવું. એનાથી બહાર જવું નહીં.
ગયા રવિવારે મુંબઈમાં કોરોનાના નવા 1,287 કેસો નોંધાયા હતા. એમાંથી 156 જણના મૃત્યુ થયા હતા.