મહારાષ્ટ્રમાં 30 જૂન પછી લોકડાઉન હટાવાશે નહીં, પણ વધુ છૂટછાટો અપાશે: ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે 1.30 વાગ્યે રાજ્યની જનતા સાથે ફેસબુક લાઈવ માધ્યમ દ્વારા સંવાદ કર્યો હતો અને કહ્યું કે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે 30 જૂન સુધી લાગુ કરાયેલું લોકડાઉન હટાવાશે કે નહીં? એ સવાલ બધા પૂછે છે, તો જવાબ છે ‘ના’. તેમ છતાં અર્થતંત્રને ફરી ચેતનવંતુ કરવાના પગલાંના ભાગરૂપે છૂટછાટો વધારવામાં આવશે.

ઠાકરેએ કહ્યું કે આપણે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની સૂચના અનુસાર લોકડાઉનને ધીમે ધીમે હટાવી રહ્યા છીએ. આમ જોવા જઈએ તો હવે આપણે આને લોકડાઉન શબ્દ તરીકે વાપરવાનો નથી. આપણે અર્થતંત્રને ધીમે ધીમે ખુલ્લું કરી રહ્યા છીએ, પરંતુ કોરોનાનું જોખમ હજી સાવ દૂર થયું નથી, કોરોના દર્દીઓની સંખ્યા વધવાનું ચાલુ જ છે એટલે આપણે મોઢા પર માસ્ક પહેરવાનું ચાલુ રાખવાનું છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ પાળવાનું પણ ચાલુ જ રાખવાનું છે.

ઠાકરેએ એમના સંબોધનના આરંભમાં જ ડોક્ટરો, એમને કોરોના-યોદ્ધા તરીકે ઓળખવામાં આવ્યા છે એમનો આભાર માન્યો હતો અને એવી નોંધ લીધી હતી કે 1 જુલાઈના દિવસને ‘જાગતિક ડોક્ટર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

ઠાકરેએ કહ્યું કે સરકારે આજથી હેર કટિંગ સલૂન અને પાર્લર સેવા શરૂ કરી છે. પરંતુ લોકોએ કારણ વગર ઘરની બહાર પડવું નહીં.

ઉદ્ધવ ઠાકરેના સંબોધનના ખાસ અંશઃ

  • સરકારને મહારાષ્ટ્રમાં લોકડાઉન ફરી લાગુ કરવું નથી, પરંતુ એમ કરવાનો સમય ન આવે એની કાળજી નાગરિકોએ જ લેવાની છે
  • લોકડાઉનમાં બધું થંભી ગયું હતું, પરંતુ કિસાનો અટક્યા નહોતા. પરંતુ આ કિસાનોને બોગસ બિયારણ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે તો એવા ગુનેગારો સામે સરકાર કડક પગલાં લેશે
  • મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે પ્લાઝમા થેરપીનો ઉપયોગ કરાય છે. રક્તદાનની જેમ પ્લાઝ્માનું પણ દાન કરવા માટે લોકો આગળ આવે.
  • કોરોનાના ઉપચાર માટે આવશ્યક દવાઓનું મહારાષ્ટ્ર સરકાર મફતમાં વિતરણ કરશે.
  • અર્થતંત્રને ફરી પાટે ચડાવવા માટે અનલોક કરાયું છે એટલે કોરોનાના દર્દીઓની સંખ્યા પણ વધી છે, તો સામે છેડે સરકારે ટેસ્ટ સહિતની આરોગ્ય સુવિધાઓ પણ વધારી દીધી છે,