મુંબઈઃ પાણીપૂરીવાળાનું કોરોનાને કારણે મૃત્યુ થયું, ગ્રાહકો પરિવારની મદદે આવ્યા

મુંબઈઃ ભગવતી યાદવ બે-પાંચ નહીં, પણ ચાર દાયકાથી પણ વધારે સમયથી દક્ષિણ મુંબઈના નેપિયન્સી રોડ વિસ્તારમાં રસ્તા પર ઊભીને લોકોને નિયમિત સ્વાદિષ્ટ પાણીપૂરી ખવડાવતા હતા. કમનસીબે કોરોના વાઈરસ રોગચાળાએ એમનો ભોગ લીધો છે.

વૈભવશાળી ગણાતા નેપિયન્સી રોડ વિસ્તારમાં ભગવતી યાદવ જાણીતું નામ હતા. તેઓ પાણીપૂરી બનાવવામાં સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખતા. કાયમ પેકેજ્ડ વોટરનો જ ઉપયોગ કરતા હતા. એટલે જ તેઓ રહેવાસીઓમાં તથા અન્ય લોકોમાં લોકપ્રિય બન્યા હતા.

તાજેતરમાં કોરોના બીમારીને કારણે એમનું મૃત્યુ થતાં એમના નિયમિત ગ્રાહકો તથા એમને જાણતા લોકોમાં શોક ફરી વળ્યો છે. એમના નિયમિત ગ્રાહકોએ યાદવના પરિવારજનોની આર્થિક મદદ માટે એક ભંડોળ એકઠું કરવાની ઝુંબેશ આદરી છે.

કોરોના સંકટમાં પરિવારજનોની દેખભાળ કરીને ગ્રાહકો એમના માનીતા પાણીપૂરીવાળાને શ્રદ્ધાંજલિ આપવા માગે છે.

એક ડિજિટલ એજન્સીના ટેક્નોલોજી વિભાગના વડા ગિરીશ અગ્રવાલ યાદવ પાણીપૂરીવાળાના નિયમિત ગ્રાહકોમાંના એક હતા. એમણે કહ્યું, યાદવજી છેલ્લા 46 વર્ષોથી એમનો આ ધંધો કરતા હતા. હું જન્મ્યો ત્યારથી એમને જોતો હતો. ઉનાળાનો તાપ હોય કે વરસતો વરસાદ હોય, યાદવજી કાયમ નેપિયન્સ રોડ પર સાંજે પાંચથી રાતે 9 વાગ્યા સુધી પાણીપૂરી વેચવા ઊભા રહે. એમની પાણીપૂરીના સ્વાદમાં ક્યારેય કોઈ ફેરફાર આવ્યો નહોતો.

યાદવ આ વિસ્તારમાં બિસલેરી પાણીપૂરીવાળા તરીકે ફેમસ હતા, કારણ કે એ પાણીપૂરીનું પાણી બનાવવામાં માત્ર બિસલેરી બ્રાન્ડનું પાણી જ વાપરતા હતા.

યાદવ વાલકેશ્વર વિસ્તારમાં આવેલા એમના ઘેરથી રોજ ચાલીને નેપિયન્સી રોડ ખાતે ધંધા માટે જતા. પણ કોરોનાને કારણે 20 માર્ચથી લોકડાઉન શરૂ થતાં જ યાદવનો પાણીપૂરીનો ધંધો બંધ થઈ ગયો હતો. એ પોતે પણ આ બીમારીમાં સપડાઈ ગયા હતા અને 23 મેએ એમનું મૃત્યુ નિપજ્યું હતું.

ગિરીશ અગ્રવાલને વિચાર આવ્યો હતો કે યાદવના પરિવાર માટે ભંડોળ એકઠું કરીને એને મદદરૂપ થવું જોઈએ અને તેમણે એ વિશે એમના મિત્રોને વાત કરી હતી. ઘણા લોકો તૈયાર થયા અને એમણે એક ઓનલાઈન ક્રાઉડ સોર્સિંગ પ્લેટફોર્મ ઉપર એક ફંડ રેઈઝર લિન્ક તૈયાર કરી અને ત્યારબાદ એને વોટ્સએપ પર પોતાના કોન્ટેક્ટ્સને શેર કરી.

નેપિયન્સી રોડ

અત્યાર સુધીમાં 125 દાતાઓ તરફથી દાનની રકમ મળી છે અને કુલ રકમ અઢી લાખ જેટલી થઈ છે. એમનો ટાર્ગેટ પાંચ લાખ રૂપિયાનો છે, જે રકમ તેઓ યાદવના પરિવારને આપશે.

મહાનગરની સુપર ફાસ્ટ લાઈફસ્ટાઈલ છતાં અહીંના લોકોમાં માનવતા અકબંધ છે. માનવીના મહત્ત્વને માનવીઓ ભૂલ્યા નથી.

દાતાઓ માત્ર નેપિયન્સી રોડના જ રહેવાસીઓ છે એવું નથી, પરંતુ મુંબઈના અન્ય ભાગોના પણ છે. અમુક તો વિદેશમાં રહેનારાઓ પણ છે.

ભગવતી યાદવની પુત્રી કુસુમે કહ્યું કે મારાં પિતાનાં ગ્રાહકો તરફથી અમને આવો ટેકો મળ્યો એ બદલ અમે એમનાં ખૂબ જ ઋણી છીએ.