CM ફડણવીસે તમામ પ્રધાનોને મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ જાણવા રવાના કર્યા

મુંબઈ – લોકસભા ચૂંટણી માટે મતદાનનાં ચાર તબક્કા પૂરા થઈ ગયા છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એમના તમામ પ્રધાનોને આદેશ આપ્યો છે કે તેઓ એમને જે જિલ્લા-ગામોનાં એમને પાલક પ્રધાનો તરીકે નિમવામાં આવ્યાં છે ત્યાં જાય અને ત્યાં પીવાનાં પાણીની અછતની સ્થિતિ વિશેનો વિગતવાર અહેવાલ સરકારને સુપરત કરે.

આ આદેશ ભારતીય જનતા પાર્ટી ઉપરાંત સરકારમાં ભાગીદાર શિવસેના પાર્ટીના પ્રધાનોને પણ લાગુ પડે છે.

મહારાષ્ટ્રમાં આ વખતે ખૂબ કારમો દુકાળ પડ્યો છે અને એ છેલ્લા 47 વર્ષોમાં સૌથી ખરાબ હોવાનું કહેવાય છે.

મહારાષ્ટ્ર સરકારે તમામ સરકારી અધિકારીઓને પણ આદેશ આપ્યો છે કે તેઓ એમના સંબંધિત જિલ્લાઓની મુલાકાત લે અને 21 મે સુધીમાં દુકાળની સ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ સુપરત કરે. આ અહેવાલમાં દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતા કેટલી છે એ વિગતનો ખાસ સમાવેશ કરવાનો રહેશે.

મહારાષ્ટ્રમાં મરાઠવાડા, કોંકણ, વિદર્ભ, પશ્ચિમી અને ઉત્તર મહારાષ્ટ્રના વિસ્તારોમાં દુકાળની સ્થિતિ સૌથી વધારે ખરાબ છે.

મહારાષ્ટ્રના 151 તાલુકાઓમાં આશરે 21 હજાર ગામડાઓમાં કારમો દુકાળ છે. મતલબ કે અડધા ભાગનું રાજય દુકાળની ભીંસમાં આવી ગયું છે.

દુકાળગ્રસ્ત ગામોમાં મોટા તેમજ નાના, એમ તમામ ડેમોમાં પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે.

મુખ્ય પ્રધાન ફડણવીસ રોજિંદા ધોરણે દુકાળની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આડે થોડા જ મહિના બાકી રહ્યા છે.

ફડણવીસે તમામ પાલક પ્રધાનો અને સચિવોને આદેશ આપ્યો છે કે દુકાળગ્રસ્ત વિસ્તારોમાં રાહતકારી પગલાંઓનો તાત્કાલિક રીતે અમલ કરવામાં આવે.

શાસક ઉપરાંત વિરોધ પક્ષો પણ આ બાબતમાં પાછળ નથી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર ગઈ કાલ રવિવારથી બે દિવસ માટે મરાઠવાડાની મુલાકાતે પહોંચી ગયા છે.

બીડ શહેરમાં કિસાનો સાથે બેઠક કર્યા બાદ પવારે પત્રકારોને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં છેક 1972માં આવો કારમો દુકાળ પડ્યો હતો. આજે લોકોને પાણી અને રોજગારની ખૂબ જરૂર છે. એમની પાસે પીવાનું પાણી નથી, રોજગાર પણ નથી. માનવીઓને, ઢોરો માટે પીવાનું પાણી નથી. ખેતરોમાં પાણી નથી એને કારણે પાક અને ખેતીવાડી સંપૂર્ણપણે સૂકાઈ ગયા છે.

કોંગ્રેસ પ્રવક્તા સચીન સાવંતે કહ્યું છે કે પક્ષના 11 વિધાનસભ્યો મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને પરિસ્થિતિ વિશેનો અહેવાલ પક્ષની નેતાગીરીને સુપરત કરશે.