મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારો માટે રૂ.10,000 કરોડનું રાહત પેકેજ

મુંબઈઃ મરાઠવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધાના અમુક દિવસો બાદ રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતો સહિત તમામ પૂરગ્રસ્તો માટે રૂ. 10 હજાર કરોડના રાહત પેકેજની આજે જાહેરાત કરી છે.

ઠાકરેએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે દિવાળી તહેવાર પૂર્વે ખેડૂતો અને ગામજનોને વળતર ચૂકવી દેવું.

આજે પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે ઠાકરેએ કહ્યું કે, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને રૂ. 38,000 કરોડ ચૂકવવાના નીકળે છે. જો એણે આ રકમ રાજ્યને ચૂકવી દીધી હોત તો અમને રાહત પેકેજ જાહેર કરવામાં મુશ્કેલી નડી ન હોત. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે તે મહારાષ્ટ્ર સરકારને ચૂકવવાની નીકળતી રકમમ વહેલી તકે છૂટી કરે.

ઉદ્ધવ ઠાકરેએ વિરોધપક્ષોને પણ વિનંતી કરી છે કે તેઓ રાહત અને પુનર્વસન કાર્યોની બાબતમાં રાજકારણને વચ્ચે ન લાવે. મારે શિવસેના પ્રમુખ તરીકે જે કંઈ કહેવાનું છે તે હું દશેરના દિવસની રેલીમાં કહીશ.

ઠાકરેએ એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકારે કોરોના વાઈરસ સામેના જંગમાં PPE કિટ્સ અને N-95 માસ્ક માટે મહારાષ્ટ્ર સરકારને પૈસા આપવાનું પણ બંધ કરી દીધું છે. એને કારણે રાજ્ય સરકારે રૂ. 300 કરોડ કાઢવા પડ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે મહારાષ્ટ્રના પુણે, ઔરંગાબાદ અને કોંકણ વિભાગોમાં અતિવૃષ્ટિ, પૂરને કારણે ઓછામાં ઓછા 48 જણના જાન ગયા હતા અને લાખો હેક્ટરમાં ઉગાડવામાં આવેલો પાક-ખેતી નાશ પામ્યા હતા.

રાહત પેકેજની વહેંચણી આ મુજબની રહેશેઃ

રૂ. 5,500 કરોડ – કૃષિ માટે

રૂ. 2,635 કરોડ – રસ્તાઓ અને પૂલ બાંધવા માટે

રૂ. 300 કરોડ – શહેરી વિકાસ વિભાગને

રૂ. 239 કરોડ – વીજળી વપરાશ માટે

રૂ. 102 કરોડ – પાણી સંસાધન માટે

રૂ. 1000 કરોડ – ગ્રામીણ રસ્તાઓ અને પાણી પુરવઠા માટે