પીઢ ગુજરાતી પત્રકાર, લેખક, કટારલેખક કાંતિ ભટ્ટનું મુંબઈમાં નિધન; વરસતા વરસાદ વચ્ચે અંતિમ સંસ્કાર સંપન્ન

મુંબઈ – જાણીતા પીઢ ગુજરાતી પત્રકાર, લેખક અને કટારલેખક કાંતિ ભટ્ટનું આજે સવારે લગભગ પાંચ વાગ્યે મુંબઈમાં નિધન થયું હતું. એમની વય 88 વર્ષ હતી.

કાંતિભાઈ ‘ચિત્રલેખા’ મેગેઝિન સાથે ચાર દાયકા કરતાંય વધારે સમય સુધી સંકળાયેલા રહ્યા હતા. ૨૦૦૬ની સાલમાં એમને ‘ચિત્રલેખા’ તરફથી પ્રતિષ્ઠિત ‘વજુ કોટક સુવર્ણચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો હતો.

આજે ઢળતી બપોરે કાંદિવલી (વેસ્ટ), મહાત્મા ગાંધી રોડ સ્થિત દહાણુકરવાડી ઈલેક્ટ્રિક સ્મશાનભૂમિમાં  કાંતિભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એ વખતે એમના સ્વજનો, મિત્રો તથા ‘ચિત્રલેખા’ પરિવારના મૌલિક કોટક, ભરત એમ. ઘેલાણી, હીરેન મહેતા, કેતન મિસ્ત્રી અને દેવાંશુ દેસાઈ સહિત અનેક ગુજરાતી પત્રકારો હાજર રહ્યા હતા. કાંતિભાઈ સાથેની એમની જૂની યાદને તાજી કરીને સૌ એમની સાથેની મુલાકાત અને પ્રસંગોને વર્ણવતા હતા. અંતિમ સંસ્કાર સંપન્ન કરાયા ત્યારે વરસાદ પણ વરસવાનું ચાલુ હતું. જાણે એવી લાગણી થઈ હતી કે સ્વયં ભગવાન પણ કાંતિભાઈ માટે એમની શ્રદ્ધાંજલિ વરસાવી રહ્યા છે.

કાંતિ ભટ્ટનો જન્મ ૧૫ જુલાઈ, ૧૯૩૧ના રોજ ભાવનગર જિલ્લાના સાંચરા ગામમાં થયો હતો.

મહુવામાં શાળાજીવન દરમિયાન તેઓ ‘ઝાંઝર’ સામયિકના સંપાદક હતા. ૧૯૫૨માં તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્યના સ્નાતકની પદવી મેળવી હતી. ભાવનગર નગરપાલિકામાં એમણે થોડો સમય કામ કર્યું. બિમારીને કારણે તેઓ મહારાષ્ટ્રના ઉરુલી કાંચનના નિસર્ગોપચાર કેન્દ્રમાં જોડાયા થયા.

૧૯૬૭માં મુંબઈમાં તેમણે જન્મભૂમિ ગ્રુપના ‘વ્યાપાર’માં જોડાઈને પત્રકાર તરીકેની એમની કારકિર્દીનો આરંભ કર્યો હતો. ત્યારબાદ તેમણે ‘ચિત્રલેખા’, ‘મુંબઈ સમાચાર’, ‘જનશક્તિ’, ‘સંદેશ’, ‘યુવા દર્શન’, ‘જનસત્તા’ જેવા વિવિધ સામયિકો અને પ્રકાશનો સાથે કામ કર્યું હતું. ૧૯૭૭માં તેમણે કેન્યામાં પણ થોડો સમય કામ કર્યું. તેઓ સંશોધનાત્મક પત્રકારત્વ માટે જાણીતા હતા.

(તસવીરોઃ ભરત ઘેલાણી અને દેવાંશુ દેસાઈ)

વડા પ્રધાન મોદીએ શીલા ભટ્ટને ફોન કરી કાંતિ ભટ્ટના નિધન અંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

દંતકથારૂપ પત્રકાર કાંતિ ભટ્ટનાં અવસાન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. દિલ્હીથી એમણે કાંતિભાઈના પત્ની અને જાણીતાં તંત્રી શીલા ભટ્ટને ફોન કર્યો હતો. પત્રકાર દંપતીના સંઘર્ષ અને કાંતિ ભટ્ટના પ્રેરણાત્મક લખાણો વિશેની યાદ એમણે તાજી કરી હતી. દિવંગતના આત્માને ભગવાન શાંતિ આપે એવી પોતે પ્રાર્થના કરે છે એમ પણ મોદીએ શીલા ભટ્ટને કહ્યું હતું.

કાંતિ ભટ્ટને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને આપી શ્રદ્ધાંજલિ.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલે પણ શીલા ભટ્ટને ફોન કરીને કાંતિભાઈના નિધન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

કાંતિ ભટ્ટના નિધનના સમાચાર જાણ્યા બાદ સુપ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારિબાપુએ એમના હસ્તાક્ષરમાં શ્રદ્ધાંજલિના આ શબ્દો લખીને આપ્યાઃ