મુંબઈ, થાણે, પાલઘરમાં પૂરની સંભાવનાઃ સોમવારે શાળા-કોલેજો બંધ રાખવાનો સરકારનો નિર્ણય

મુંબઈ – આગામી 24 કલાક દરમિયાન મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની અને પૂરની સ્થિતિ સર્જાવાની ખૂબ જ સંભાવના હોવાની હવામાન વિભાગે ચેતવણી આપ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે આવતીકાલે રાજ્યમાં શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

મુંબઈ, થાણે, પાલઘર, રાયગડ ઉપરાંત નાશિક, રત્નાગિરી, કોલ્હાપુર, શિર્ડીમાં પણ આવતીકાલે શાળા-કોલેજો બંધ રાખવાનો સરકારે આદેશ આપ્યો છે. સરકારે મુંબઈના લોકોને અપીલ કરી છે કે એમણે સોમવારે અત્યંત જરૂરી કામ ન હોય તો ઘરમાં જ રહેવું સલાહભર્યું રહેશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સરકારી કર્મચારીઓને પોતપોતાની ઓફિસે મોડા આવવાની છૂટ આપી છે.

થાણે જિલ્લામાં તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ જિલ્લા કલેક્ટર રાજેશ નાર્વેકરે આજે સાંજે જ બહાર પાડી દીધો હતો.

સમગ્ર થાણે જિલ્લામાં આજે પણ અતિશય ભારે વરસાદ પડ્યો છે, જેને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે.

થાણે જિલ્લાના ખડવલી વિસ્તારમાં પૂર 65 જણ ફસાઈ ગયા હતા. એમને ભારતીય હવાઈ દળના MI-17 હેલિકોપ્ટરની મદદથી ઉગારવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મદદ માટે હવાઈ દળનો આભાર માન્યો છે.

થાણા જિલ્લામાં ઉલ્હાસ, બારવી અને ભાતસા નદીઓમાં પૂર આવતાં આસપાસના વિસ્તારોમાં પૂર આવ્યું હતું. જિલ્લા અને શહેરમાં જનજીવન સ્થગિત થઈ ગયું છે.

એવી જ રીતે, મુંબઈની પડોશમાં જ આવેલા અન્ય પાલઘર જિલ્લાના વસઈ તાલુકા-શહેરના મોરીગાંવ (મિઠાગર) વિસ્તારમાં પણ પૂર આવ્યું હતું અને ત્યાં 400 જેટલા લોકો ફસાઈ ગયા હતા. એમને બચાવવાની કામગીરી બપોરે બે વાગ્યે ચાલુ હતી. 200 જેટલા લોકોને ઉગારવામાં સફળતા મળી હતી.

આજે સમુદ્રમાં ભરતીના સમયે નાળાઓમાં વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ ઊલટી દિશામાં વહેવા લાગતાં એ પાણી આસપાસનાં રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયું હતું.

મુંબઈ શહેરના તળ ભાગ અને ઉપનગરો તેમજ પડોશના પાલઘર જિલ્લાના વસઈ, વિરાર, થાણે જિલ્લાના કલ્યાણ, અંબરનાથ, રાયગડ જિલ્લાના નવી મુંબઈ, પનવેલ જેવા સ્થળોએ ધોધમાર વરસાદે હાહાકાર મચાવી દીધો છે. ઠેકઠેકાણે પાણી ભરાયા છે, વિસ્તારો જળબંબાકાર થયા છે. લોકલ ટ્રેનોને માઠી અસર પડી છે. મધ્ય અને હાર્બર લાઈનની સેવાઓ એકદમ ઠપ છે.

મુંબઈમાં ગઈ આખી રાત ધોધમાર વરસાદ પડ્યો હતો. આજે સવારથી વરસાદના જોરદાર મોટાં ઝાપટાં પડવાનું રહ્યું છે. વચ્ચે અમુક મિનિટો માટે વરસાદના ધોધમાર વરસવામાં બ્રેક આવે એટલે પાણી ઉતરી જવાથી થોડીક રાહત રહેતી હોય છે.

મુંબઈના બાન્દ્રાના ધારાવી વિસ્તારમાં એક તળાવમાં 23 વર્ષનો યુવાન ડૂબી ગયો હતો. પોલીસ તથા અગ્નિશામક દળના જવાનો એને શોધમાં લાગ્યા હતા.

પનવેલ-રોહા રેલવે લાઈન પર ભેખડો ધસી પડવાથી કોંકણ રેલવે વ્યવહાર ઠપ છે.

મહારાષ્ટ્રમાં અન્ય ઘણા વિસ્તારોમાં મેઘતાંડવના સમાચાર છે.

મુંબઈમાં, ભારે વરસાદને કારણે સવારથી બોરીવલી અને વિરાર વચ્ચે ટ્રેન સેવા બંધ રાખવામાં આવી હતી. બોરીવલી અને ચર્ચગેટ વચ્ચે ટ્રેનસેવા ચાલુ હતી. વિરાર સ્ટેશનેથી ફાસ્ટ ટ્રેક પર વસઈ માટેની પહેલી ટ્રેન બપોરે 1.15 વાગ્યે રવાના કરી શકાઈ હતી.

વસઈ, વિરારમાં અનેક રસ્તા અને સોસાયટીઓમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાતાં જાણે નદીઓ અને તળાવોમાં ફેરવાઈ ગયાં હતાં. રેલવેનાં પાટાઓ પર પાણી ભરાતાં ટ્રેનસેવા સ્થગિત કરી દેવામાં આવી હતી. વસઈ-વિરાર બેલ્ટમાં વરસાદની માઠી અસર ગ્રામિણ વિસ્તારોમાં વધારે જોવા મળી છે. નગરપાલિકા, મહાપાલિકા, પોલીસ, અગ્નિશામક દળ, NDRFના જવાનો સતત બચાવ કામગીરીમાં વ્યસ્ત હતા.