મહારાષ્ટ્ર માટે આગામી 24-કલાક મહત્ત્વનાઃ હવામાન વિભાગ

મુંબઈઃ શહેરીજનો છેલ્લા અમુક દિવસોથી ઉકળાટને કારણે પરેશાન થઈ ગયા છે, પરંતુ એમને અમુક દિવોસમાં રાહત મળવાની ધારણા છે. જોકે નાગરિકોને સતર્ક રહેવાનો ઈશારો પણ હવામાન વિભાગે આપ્યો છે. તેનું કહેવું છે કે મહારાષ્ટ્ર માટે આગામી અમુક દિવસ મહત્ત્વના છે. અરબી સમુદ્રમાં હવાના નીચા દબાણનું ક્ષેત્ર રચાયું હોવાને કારણે આવતા 24 કલાકમાં આ નીચા દબાણનું ચક્રવાતમાં રૂપાંતર થવાની સંભાવના છે. એને કારણે કોકણ વિસ્તારમાં મુસળધાર વરસાદ પડવાની શક્યતા છે. આ ચક્રવાતને ‘તૌક્તે’ નામ આપવામાં આવ્યું છે.

હવામાન ખાતાએ કહ્યું છે કે મુંબઈ અને કોકણ સમુદ્રપટ્ટાવિસ્તાર પર ચક્રવાતનું કોઈ જોખમ નથી, પરંતુ મહારાષ્ટ્રના અનેક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. નીચા દબાણનો પટ્ટો લક્ષદ્વીપ નજીક પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર 15 મેએ તીવ્ર બનશે અને તે પછી ઉત્તર અને વાયવ્ય દિશા તરફ આગળ વધશે. એ પછી 16 મેએ તે ચક્રવાતનું સ્વરૂપણ ધારણ કરશે. એ દિવસોમાં ગોવાના સમુદ્રકાંઠા પર જોરદાર પવન સાથે મેઘગર્જના સાથે વરસાદ પડી શકે છે. મુંબઈ, પાલઘર, થાણેમાં રવિવારે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાયગડ જિલ્લામાં રવિવારે તીવ્ર વરસાદ પડવાની અને જોરદાર પવન ફૂંકાવાની સંભાવના છે.