દિલધડક દ્રશ્યો સાથે વાલમમાં યોજાય છે હાથિયા ઠાઠુંનો મેળો

મહેસાણાઃ વિસનગર તાલુકાના વાલમ ગામે ચૈત્ર માસમાં અનેરો ઉત્સાહ અને ઉત્સવનો માહોલ ગામની દરેક વ્યક્તિમાં જોવા મળે છે. ચૈત્ર માસમાં વાલમ ગામે રોમાંચક અને શ્વાસ થંભાવી દે એવો હાથિયા ઠાઠું મહોત્સવ શુકનનો મેળો યોજાય છે. આ મેળાને આજુબાજુના ગામો સહિત દેશ-વિદેશમાં વસતા મૂળ ગામવાસીઓ પણ નિહાળવા માટે ગામ તરફ દોડી આવે છે.

વાલમ ગામના શિક્ષક પી.સી. પટેલ ચિત્રલેખા.કોમને કહે છે, “દૈવીશક્તિ અને લોકશક્તિના પ્રતિક સમો હાથિયા ઠાઠું મહોત્સવ તારીખ 2/05/2024ના રોજ રાત્રીના યોજાયો. બીજા દિવસે 03/05/2024ના રોજ વહેલી સવારે સાંકડી ગલીમાં હાથિયા ઠાઠું દોડાવવામાં આવ્યું હતું. ગામમાં જ્યારે અનોખો હાથિયા ઠાઠું મહોત્સવ ઉજવાય છે. ત્યારે બે ચાર-ચાર બળદ બાંધેલા રથોને દોડાવાય છે. તેની આગળ લોકો લાડકીઓ લઈને દોડતા હોય છે. આ ઉત્સવમાં આવનારું વર્ષ કેવી જશે તેનો શુકન જોવાય છે.

હાથિયા-ઠાઠું મહોત્સવ

ઘણાં વર્ષોથી ચૈત્રી પૂનમથી મહોત્સવ દર વર્ષે ઉજવાય છે. ઉત્સવ દરમિયાન મા સુલેશ્વરીની ઘરે-ઘરે પધરામણી કરાય છે. ચૈત્ર વદ પાંચમે માતાજીની પલ્લી ભરાઈ છે. ચૈત્ર વદ છઠ્ઠે દેવીપૂજક ભાઈઓ ખીચડાનું માટલું ચોકમાં પછાડીને આવતું વર્ષનું શુકન જુએ છે. સાતમે નાયક ભાઈઓ દ્વારા હોકો નામનું જૂઠ્ઠાણું ચલાવે છે. દરમિયાન રાત્રે ચાર બળદવાળા બે રથ દોડાવાયા છે. જેમાં ચોપાડીયા નામના સ્થળેથી મૂળ હાથિયો અને થડાના ચોકથી ઠાઠું એમ બે રથો તૈયાર કરાય છે. બંને રથોને તૈયાર કરીને બળદો જોડીને ગામની સાંકળી ગલીઓમાં પલ્લીકા માતા અને કાળકા માતાના દર્શનાર્થે લઈ જવાય છે. જ્યાંથી બંને રથ ગામના સરદાર ચોકમાં લાવી ગામની વાંકી-ચૂંકી ગલીઓમાં 60 થી 70 કિ.મી.ની ગતિથી દોડાવવામાં આવે છે. જેમાં ગામના બાળકોથી માંડી વૃદ્ધ લોકો સૌ કોઇ હાથમાં નાની લાકડીઓ લઇ બોલો સુલઇ માતાકી જય…ના નારા સાથે આગળ દોટ મૂકે છે. બીજા દિવસે હાથિયો ચકલીયાના ચોકમાંથી નીકળી થડાના ચોકમાં ઠાઠાને લેવા જાય. જ્યાંથી બંને રથ સરદાર ચોકમાં આવે છે. એ પછી અહીંથી હરીફાઇ યોજાય છે. આજના આધુનિક યુગમાં પરંપરાગત મેળામાં ભાગ લેતા માણસો અને ચાર ચાર બળદોના રથને વાંકી-ચૂંકી સાંકડી ગલીઓમાં 60 થી 70 કિ.મી.ની ઝડપે દોડતા જોઈ સૌ રોમાંચિત થઇ જાય છે. આ મેળામાં બળદ ઠાઠું અને દોડની રોમાંચક ક્ષણો નિહાળવા મોડી રાત્રે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

સુલેશ્વરી માતાજીના સાંનિધ્યમાં ચૈત્ર માસમાં યોજાતા આ મેળાની શરૂઆત જ્યારે નાગર બ્રાહ્યણો આ ગામમાં વધુ પ્રમાણમાં વસતા ત્યારથી પરંપરાગત રીતે થઇ હતી. પલ્લવી માતા સાથે જોડાયેલ આ પરંપરામાં અઢારે વર્ણના લોકો જોડાય છે. આ હાથિયા ઠાઠુંમાં બળદના માલિક, સાડી પહેરીને ભૂંગળા સાથે નાયક, દરજી અને ભૂંગળા સાથે વાળંદનો સમાવેશ થાય છે. પરંપરા મુજબ ચાર બળદનો હાથિયો અને ચાર બળદનું ઠાઠું તૈયાર કરાય છે. વઢાણ પાટીનો હાથિયો અને ચંદાત પાટીનું ઠાઠું એમ બંને બાજુથી ચાર બળદોની જોડી હરિફાઇ થાય છે. બળદોનું ગામ વચ્ચે દોડવું એની સાથે દોડતાં ગ્રામજનોને જોઇને દિલધડક દ્રશ્યો સર્જાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)