વોટ્સએપે આશરે આઠ કરોડ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કેમ?

નવી દિલ્હીઃ વિશ્વના ચોથા સૌથી મોટા શ્રીમંત ઉદ્યોગપતિ માર્ક ઝુકરબર્ગની કંપની વોટ્સએપે +91થી શરૂ થયા આઠ કરોડથી વધુ મોબાઇલ નંબરને વોટ્સએપના વાપરવામાંથી પ્રતિબંધ મૂકી દીધો હતો. કંપનીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કંપનીએ એક જાન્યુઆરીથી માંડીને 31 માર્ચ, 2024 દરમ્યાન 7,954,000 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એમાં 1,43,000 એકાઉન્ટને યુઝર્સના તરફથી કોઈ રિપોર્ટ મળ્યા પહેલાં સક્રિય રીતે પ્રતિબંધ મૂકી દીધો હતો.

કંપનીએ આ પહેલાં જાન્યુઆરીથી નવેમ્બર, 2023 સુધી સાત કરોડથી વધુ મોબાઇલ નંબરો પર વોટ્સએપ પર પ્રતિબંધ મૂક્યો હતો. જાન્યુઆરી, 2024માં જારી કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે વોટ્સએપે પહેલી જાન્યુઆરી, 2023થી માંડીને 31 નવેમ્બર, 2023 સુધી કુલ 69,307,254 અકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે ડિસેમ્બર, 2023નો ડેટા હજી આવવા માટે રાહ જોવાઈ રહી છે.વોટ્સએપે જાન્યુઆરી, 2023માં 29 લાખ, ફેબ્રુઆરીમાં 45 લાખ એકાઉન્ટ, માર્ચમાં 47 લાખ, એપ્રિલમાં 74 લાખ, મેમાં 65 લાખ, જૂનમાં 66 લાખ, જુલાઈમાં 72 લાખ, ઓગસ્ટમાં 74 લાખ, સપ્ટેમ્બરમાં 71 લાખ, ઓક્ટોબરમાં 75 લાખ અને નવેમ્બરમાં 71 લાખ એકાઉન્ટ પ્રતિબંધિત કર્યા હતા.

કેમ લગાવ્યો પ્રતિબંધ?

કંપનીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં એ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ઇન્ટરમિડિયરી ગાઇડલાઇન્સ અને ડિજિટલ મિડિયા એથિક્સ કોડ) નિયમ, 2021ના નિયમ 4 (1) (IT નિયમ 2021)નું પાલન કરવા માટે છેતરપિંડી અને ગેરકાયદે ટેલિમાર્કેટિંગના બધા રિપોર્ટોની સક્રિય રૂપે તપાસ કરી રહી છે. આ સિવાય વોટ્સએપને ફરિયાદોને આધારે કેટલાય અકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે કોઈ ને કોઈ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા અથવા વોટ્સએપના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા.