મુંબઈઃ પોલીસે પરવાનગી ન આપી હોવાછતાં મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના અંગત નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવા બદલ ધરપકડ કરાયેલા અને 14-દિવસની અદાલતી કસ્ટડી ભોગવી રહેલા અપક્ષ સંસદસભ્ય નવનીતકૌર રાણા અને એમનાં અપક્ષ વિધાનસભ્ય પતિ રવિ રાણાએ એમને માટે ઘરમાં બનાવેલું ભોજન જેલમાં મગાવવાની પરવાનગી આપવાની સેશન્સ કોર્ટને વિનંતી કરી છે. કોર્ટ એમની પીટિશન પર આવતીકાલે પોતાનો નિર્ણય જણાવશે.
દરમિયાન, રાણાદંપતીની અમરાવતી શહેરમાં રહેતી આઠ વર્ષની દીકરી આરોહીએ એનાં માતા-પિતાનો જેલમાંથી છુટકારો થાય એ માટે બુધવારે ઘરમાં હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. એણે એમ કહ્યું છે કે મારાં પપ્પા અને મમ્મીનો જલદી છૂટકારો થાય એ માટે મેં ભગવાનને પ્રાર્થના કરી છે.