-તો મુંબઈવાસીઓ ચોવીસ-કલાક વીજપૂરવઠાનો-વૈભવ કદાચ ખોઈ બેસશે

મુંબઈઃ આ વખતે ઉનાળામાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે ત્યારે મુંબઈવાસીઓ ચોવીસ કલાક વીજપૂરવઠાની એશોઆરામવાળી સુવિધાથી કદાચ વંચિત રહે એવી સંભાવના છે. આનું કારણ એ છે કે શહેરમાં વીજળીની માગ સતત વધી રહી છે અને શહેરબહારથી મળતા વીજપૂરવઠાના ટ્રાન્સમિશનમાં બાધાઓ નડે છે.

મુંબઈમાં ગયા શુક્રવારના રોજ વીજળીની માગ 3,820 મેગાવોટ નોંધાઈ હતી. તે ગયા ગુરુવારે 3,807 મેગાવોટ, બુધવારે 3,616 મેગાવોટ હતી. વીજળી ઉદ્યોગની કંપનીઓનો દાવો છે કે શહેરની વીજળી માટેની માગ હવે ટોચ પર પહોંચી ગઈ છે અને જો આગામી દિવસોમાં તે વધતી જ રહીને પ્રતિદિન 4,200 મેગાવોટના આંકે પહોંચી જશે તો મુંબઈવાસીઓને પરસેવે રેબઝેબ થવાનો વારો આવશે, કારણ કે ચોવીસ કલાક વીજપૂરવઠો મેળવવાનો એશોઆરામ કદાચ તેઓ ગુમાવી બેસશે.

ટાટા પાવર કંપનીના પ્રવક્તાએ કહ્યું છે કે, ગ્રાહકોની વીજળીને લગતી માગને પહોંચી વળવા અમે પર્યાપ્ત રીતે સક્ષમ છીએ. અમે લોકોને અપીલ કરીએ છીકે કે તેઓ વીજળીનો જરૂર પૂરતો ઉપયોગ કરે. અદાણી ઈલેક્ટ્રિસિટી કંપનીના પ્રવક્તાએ કહ્યું છે કે મુંબઈમાં વીજવપરાશ સર્વાધિક થઈ ગયો છે. વીજળી માટે ગ્રાહકોની વધી રહેલી માગને પહોંચી વળવા માટે અમારી ટીમો દિવસ-રાત કામ કરે છે. અમે ગ્રાહોકને અપીલ કરીએ છીએ કે તેઓ વીજળીનો વિવેકપૂર્વક વપરાશ કરે.