‘મેં ઘણી ખાન અને કુમાર-કેન્દ્રિત ફિલ્મો-નકારી છે’

મુંબઈઃ બોલીવુડની બિન્ધાસ્ત અભિનેત્રી કંગના રણૌતની નવી આગામી ‘ધાકડ’ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. એમાં તેની સાથે અર્જુન રામપાલની ભૂમિકા છે. રજનીશ ઘાઈ દિગ્દર્શિત આ ફિલ્મ આવતી 20 મેએ રિલીઝ થવાની છે. એક મુલાકાતમાં કંગનાએ કારકિર્દીમાં પોતાની સામે આવેલા પડકારોના કરેલા સામના વિશે કહ્યું કે, ‘મહિલાઓની આગેવાની માટે દુનિયાના દેશો તો તૈયાર જ છે. જિંદગીમાં આગળ વધવા માટે મેં મારી રીતે અમુક નિર્ણયો લીધાં છે. જેમ કે, મેં પુરુષ-કેન્દ્રિત ફિલ્મોમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો હતો. ખાન-કેન્દ્રિત કે કુમાર-કેન્દ્રિત ફિલ્મો – એ બધી મોટા હિરોના પ્રભાવવાળી જ ફિલ્મો હતી, એટલે મેં એમાં કામ કરવાની ના પાડી દીધી હતી. ‘ધાકડ’ ફિલ્મ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે મારો દ્રષ્ટિકોણ કેટલો યોગ્ય છે.’

‘શું તમારાં જીવન પરથી કોઈ બાયોપિક ફિલ્મ બનાવાય તો તમને ગમશે?’ એવા સવાલના જવાબમાં કંગનાએ કહ્યું કે, ‘મારું જીવન ઘણું જ નાટ્યાત્મક રહ્યું છે. મારાં જીવન પર આધારિત કોઈ ફિલ્મ બનાવાય તો એ સુપરહિટ થશે. એવી ફિલ્મ ક્યારે બનશે એની મને ખબર નથી, કારણ કે મારે તો જિંદગીમાં હજી ઘણું બધું હાંસલ કરવાનું બાકી છે.’