સલમાન શેહનાઝને: ‘ફીનો આંકડો તું પસંદ કર’

મુંબઈઃ સલમાન ખાન તેની આગામી હિન્દી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’માં અભિનેત્રી અને ‘બિગ બોસ’ની સ્પર્ધક શેહનાઝ ગિલને એક મહત્ત્વનાં રોલમાં ચમકાવવાનો છે. એ ફિલ્મ સાથે શેહનાઝ બોલીવુડમાં ડેબ્યૂ કરશે. ફિલ્મમાં કામ કરવા માટે સલમાને શેહનાઝને તેની મનપસંદ રકમની ફી લેવાની છૂટ આપી છે. સલમાન ‘બિગ બોસ’નો સંચાલક છે અને આ રિયાલિટી શો ચાલુ હતો ત્યારથી શેહનાઝની માસૂમિયત એના દિલને સ્પર્શી ગઈ હતી. તે ઉપરાંત બોયફ્રેન્ડ સિદ્ધાર્થ શુક્લાના નિધનનું દુઃખ શેહનાઝે જે રીતે જીરવી બતાવ્યું એનાથી પણ દરેક જણ પ્રભાવિત થયા છે.

‘કભી ઈદ કભી દિવાલી’માં સલમાન ખાન અને પૂજા હેગડેની મુખ્ય ભૂમિકા હશે. શેહનાઝ બનશે આયુષ શર્માની માશુકા. શેહનાઝ હાલમાં જ પંજાબી ફિલ્મ હોંસલા રખમાં કામ કરી ચૂકી છે. એમાં તેનો હિરો દિલજીત દોસાંજ હતો. ‘કભી ઈદ કભી દિવાલી’ આ વર્ષે 30 ડિસેમ્બરે રિલીઝ થવાનું નિર્ધારિત છે.