ખાનગી-વાહનોમાં ફરતી વખતે માસ્ક પહેરવો ફરજિયાત નથી

મુંબઈઃ શહેરમાં ખાનગી વાહનોમાં માસ્ક વગર પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે. માત્ર બેસ્ટ બસ, એસ.ટી. બસ, ટેક્સી, રિક્ષા, ટ્રક, ટેમ્પો જેવા જાહેર પરિવહનના વાહનોમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે જ મોઢા પર માસ્ક પહેરવો ફરજિયાત છે. કોરોના વાઈરસના ચેપનું પ્રમાણ ઘટી ગયું હોવાથી ખાનગી વાહનોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત રાખવું ન જોઈએ એવી માગણી કરવામાં આવી હતી.

આ બાબત અંગે વિચારણા કરીને મુંબઈ મહાનગરપાલિકાનાં વરિષ્ઠ અધિકારીઓએ ‘ક્લિન અપ માર્શલ’ આદેશ આપ્યો છે કે ખાનગી વાહનોમાં મોઢા પર માસ્ક પહેર્યા વગર પ્રવાસ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવી નહીં. કોરોનાનો ફેલાવો રોકવા માટે રાજ્ય સરકારે જાહેર રસ્તાઓ, બજારો, શાકભાજી માર્કેટ વગેરે જેવા સાર્વજનિક સ્થળોએ માસ્ક વગર ફરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે મહાપાલિકાએ ખાસ ટૂકડીઓને તૈનાત કરી છે. પાલિકા કર્મચારી, ક્લીન અપ માર્શલનો આ ટૂકડીઓમાં સમાવેશ થાય છે.