વાર્તાઓ મારફત વિદ્યાર્થીઓમાં મૂલ્ય ઘડતરના પ્રયોગો

મુંબઈઃ વર્તમાન સમયની મૂળભૂત જરૂરિયાત ‘મૂલ્ય ઘડતર’ને લક્ષ્યમાં રાખીને કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ)એ સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય (એસવીપીવીવી) માં શરૂ કરેલા કાર્યક્રમને વિદ્યાર્થીઓ તરફથી સારો અને સકારાત્મક પ્રતિભાવ મળવા લાગ્યો છે. કેઈએસના વાઈસ પ્રેસિડન્ટ મહેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ કાર્યક્રમની શ્રેણીમાં ગયા સપ્તાહમાં ફરીવાર જાણીતા કવિ અને વક્તા મુકેશ જોષીએ પોતાની આગવી છટાથી વાર્તાઓ કહીને વિદ્યાર્થીઓને પોતપોતાના જીવનમાં મૂલ્યોને સહજ રીતે સાંકળી લેવાની સમજ આપી હતી.

‘અતિથિ દેવો ભવ’ની સંસ્કૃતિ ધરાવતા આપણા દેશમાં મહેમાનોનું સ્વાગત કરવા બાબત વિદ્યાર્થીઓને સરળ અને રસપ્રદ સમજ આપતી ચર્ચા મુકેશ જોષીએ કરી હતી. મહેમાનોનું સ્વાગત કરવાની આપણી આ પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવી રહી છે. તેનું ઉદાહરણ આપતા તેમણે  શાંતનુ અને ઋષિપત્ની જ્ઞાનમતિનો કિસ્સો સંભળાવ્યો હતો. આ દંપતીએ પોતાના આંગણે પધારેલા નારદ મુનિનું ખૂબ જ ઉત્સાહથી અને પ્રેમથી સ્વાગત કર્યું હતું. જેના પરિણામ રૂપે નારદ મુનીએ એમને આશીર્વાદ આપ્યા હતા અને વચન માંગવા કહ્યું હતું. ત્યારે આ ઋષિદંપતીએ પુત્ર રત્નની ઈચ્છા દર્શાવી હતી. નારદ મુનિએ તેમને ભગવાન બ્રહ્માની આરાધના કરવા જણાવ્યું હતું. ઋષિદંપતીની આરાધનાથી દેવાધિદેવ બ્રહ્મા પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું હતું. તે વરદાનરૂપે એમને પ્રાપ્ત થયેલો પુત્ર તે શ્રવણ. ત્યારબાદ શ્રવણનો વધ, રાજા દશરથને શ્રવણના માતા-પિતા તરફથી અપાયેલો શ્રાપ વગેરેની ચર્ચા વિદ્યાર્થીઓને ગળે ઉતરે એવી શૈલીમાં કરી હતી. પરંતુ સામાન્ય માણસોને જાણમાં ન હોય તેવી જે વાતનો એમાં ઉલ્લેખ કર્યો હતો તે શ્રવણના જન્મ સાથે જોડાયેલી વાત હતી. જ્યારે શ્રવણના માતા-પિતાની આરાધનાથી પ્રસન્ન થયેલા બ્રહ્માજીએ વરદાન માગવા કહ્યું હતું ત્યારે ઋષિદંપતીએ પુત્રરત્ન પ્રાપ્તિની ઈચ્છા દર્શાવી હતી. આ ઈચ્છા પૂર્ણ તો થાય, પરંતુ એની સામે એમની દ્રષ્ટિ હણાઈ જશે એવું બ્રહ્માજીએ કહ્યું હતું. તેમછતાં આ દંપતીએ દ્રષ્ટિ જતી કરીને પણ પુત્ર પ્રાપ્તિની માગણી કરી હતી.

આ ઉદાહરણ પરથી એમણે બાળકોને સમજાવ્યું કે ધોરણ 10 પછી જ્યારે કોઈ એક ક્ષેત્ર પસંદ કરવાનું હોય છે ત્યારે તમારે પણ તમારા મનની વાત સાંભળીને વડીલોના મંતવ્ય જાણીને અને શિક્ષકોની પણ સલાહ પછી યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

શ્રવણ પાણી લેવા જાય છે એ વાર્તા કરતા કરતા વર્તમાન સમયની માંગ – પાણીનો બગાડ ન થવો જોઈએ અને પાણી કેવી રીતે બચાવવું જોઈએ એ પણ એમણે સમજાવ્યું હતું.

માતા-પિતાને પગે લાગીને નીકળો

ભગવાન રામની એક બહેન પણ હતી જેનું નામ શાંતા હતું. મહાભારતમાં શાંતનું નામના રાજા હતા, આવી રીતે આવી અનેક અજાણી માહિતી તેમણે પોતાના વક્તવ્યમાં આવરી લીધી હતી. તે ઉપરાંત તેમણે બાળકોને એક અનોખું હોમવર્ક આપ્યું હતું જેમાં ન તો લખવાનું હતું કે ન તો કંઈ વાંચવાનું હતું, પરંતુ રોજ સવારે ઘરેથી બહાર નીકળો ત્યારે માતા-પિતાને પગે પડીને નીકળવાની સલાહ હતી.  કવિએ આજે પણ મરીઝની પંક્તિ – “બસ એટલી સમજણ મને પરવરદિગાર દે,

સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે… “નું પુનરાવર્તન કરી ગત વક્તવ્યમાં રોપાયેલા સારા વિચારના બીજની યાદ અપાવી હતી. 

મહેશભાઈ શાહે બાળકોને જણાવ્યું હતું કે, ‘આપણે મારામારીથી સારાસારી તરફ જવાનું છે. એટલે કે એક જણ મારે તો આપણે સામેથી મારીએ છીએ તેમ એ સારો છે તો હું સારો કેમ નહીં? એ વિચાર ધ્યાનમાં રાખીને આપણે સારા વ્યક્તિ બનવાનું છે.’

કેઈએસના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડૉ. સંગીતા શ્રીવાસ્તવ તથા શાળાનાં વાઈસ પ્રિન્સિપાલ  ક્ષમા વાલાન્જુએ હાજર રહી વિધાર્થઓનો ઉત્સાહ વધાર્યો હતો.

(દીપ્તિ રાઠોડ)

(લેખિકાઃ શાળાનાં શિક્ષિકા છે)