મુંબઈઃ મહારાષ્ટ્રના સામાજિક ન્યાય ખાતાના પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા ધનંજય મુંડે સામે બળાત્કારના આરોપ થયા બાદ એમના રાજીનામાની માગણી કરનાર ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાને ધમકીઓ મળી રહી છે. સોમૈયાએ દાવો કર્યો છે કે મુંડેની વિરુદ્ધ બોલવા બદલ એમને આ ધમકીઓ મળી રહી છે. એક મહિલાનો આરોપ છે કે મુંડેએ એની પર 2016માં બળાત્કાર કર્યો હતો અને જાતીય સતામણી કરતા રહ્યા હતા.
સોમૈયાએ આ માટે એનસીપીના પ્રમુખ શરદ પવારની આકરી ટીકા કરી છે અને કહ્યું છે કે પવાર જ આવી પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે. પવાર આ બધું બંધ કરે અને સામે આવીને લડે. ધનંજય મુંડેનો પર્દાફાશ થયા બાદ મને જુદા જુદા લોકો તરફથી ધમકીભર્યા ફોન મળી રહ્યા છે અને પોલીસ આનાથી વાકેફ છે.