મુંબઈઃ જે નાગરિકોએ કોરોના-પ્રતિરોધક રસીના બંને ડોઝ લીધા ન હોય એમને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની પરવાનગી ન આપવાના પોતાના નિર્ણયનો મહારાષ્ટ્ર સરકારે મુંબઈ હાઈકોર્ટમાં બચાવ કર્યો છે.
સરકારના નિર્ણયને પડકારતી બે જનહિતની અરજી પરની સુનાવણી વખતે રાજ્ય સરકાર વતી હાઈકોર્ટમાં ઉપસ્થિત થયેલા વરિષ્ઠ વકીલ અનિલ અંતુરકરે મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ મકરંદ કર્ણિકની બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે અગાઉના અનુભવના આધારે સરકારે સાવચેતીભર્યો ઉપાય લીધો છે. રસીકરણ સંપૂર્ણ રોગપ્રતિકારક શક્તિ આપતી ન હોવા છતાં તે લેવાથી હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઘટે છે અને મૃત્યુનું પ્રમાણ પણ ઘટે છે.