ગાંધીજીનું અપમાનઃ કાલીચરણબાબાને ધરપકડ કરી થાણે લવાયો

મુંબઈઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિરુદ્ધ કથિતપણે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ હિન્દુ ધાર્મિક નેતા કાલીચરણ મહારાજની થાણે પોલીસે છત્તીસગઢના રાયપુરમાંથી ધરપકડ કરી છે. પોલીસ કાલીચરણનો કબજો લઈને એને થાણે લઈ આવી છે.

કાલીચરણ બાબા ઉર્ફે અભિજીત સરક સામે મહારાષ્ટ્રના હાઉસિંગ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મુંબ્રા-કલવા મતવિસ્તારના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે ગઈ 29 ડિસેમ્બરે થાણે-નૌપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કાલીચરણ બાબા મહારાષ્ટ્રના અકોલાનો રહેવાસી છે. કાલીચરણ ઉપરાંત અન્ય પાંચ વ્યક્તિ સામે ભારતીય ફોજદારી ધારાની જુદી જુદી પાંચ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

કાલીચરણ બાબાએ ગઈ 26 ડિસેમ્બરે એક સંમેલનમાં ગાંધીજી વિરુદ્ધ અપમાનજનક વિધાનો કર્યા હતા. મહારાષ્ટ્રના વર્ધા શહેરની પોલીસે પણ કાલીચરણ સામે કેસ નોંધી એમની ધરપકડ કરી હતી. રાયપુરની કોર્ટે કાલીચરણને રાયપુરની મધ્યસ્થ જેલમાં અદાલતી કસ્ટડીમાં રાખ્યો હતો. થાણે પોલીસે રાયપુરની કોર્ટ પાસેથી કાલીચરણનો કબજો લીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]