મહારાષ્ટ્રમાં કોરોના પરિસ્થિતિ નિયંત્રણમાં છેઃ આરોગ્યપ્રધાનનો દાવો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના ઉભરતા કોઈ પણ પ્રકારના ફેલાવા પર ચાંપતી નજર રાખવા અને તેને કાબૂમાં રાખવાના પગલાં લેવાની કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સલાહ આપી છે ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં રોગચાળાની સ્થિતિ કાબૂમાં છે અને ગભરાવાની જરૂર નથી.

પત્રકારો સાથે વાતચીત કરતાં ટોપેએ કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ પર સરકારની ચાંપતી નજર છે અને તે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે. રાજ્યમાં મોઢાં પર માસ્ક પહેરવાનું હવે ફરજિયાત નથી, તે છતાં વરિષ્ઠ નાગરિકો અને ગંભીર બીમારીથી પીડાતા લોકોએ સાવચેતીને ખાતર જાહેરમાં એમનાં મોઢાં પર માસ્ક પહેરવો જ જોઈએ.