કલ્યાણ-ડોંબિવલીમાં ઓમિક્રોનનો-ગભરાટઃ વિદેશથી પાછાં-ફરેલા 109-જણનો પત્તો નથી

મુંબઈઃ દેશભરમાં કોરોનાવાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટે ભારે ગભરાટ ફેલાવ્યો છે એવામાં પડોશના કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકા (કેડીએમસી) વહીવટીતંત્ર તરફથી એવા ચોંકાવનારા સમાચાર છે કે તાજેતરના સમયમાં વિદેશથી આ ઉપનગરોમાં પાછાં ફરેલા 295 લોકોમાંના 109 જણનો હજી પત્તો લાગ્યો નથી. ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોન વેરિઅન્ટનો એક કેસ હાલમાં જ ડોંબિવલી ઉપનગરમાં નોંધાયો હતો.

મુંબઈની પડોશના થાણે જિલ્લાના કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય સૂર્યવંશીએ કહ્યું છે કે વિદેશથી પાછાં ફરેલા 109 જણના મોબાઈલ ફોન સ્વિચ-ઓફ્ફ છે. જ્યારે ઘણાં લોકોએ છેલ્લે આપેલા સરનામા પરના ઘર બંધ છે. આ તમામ લોકો ભારત સરકારે ઓમિક્રોન સ્ટ્રેન માટે ‘જોખમી’ જાહેર કરેલા દેશોમાંથી કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકાની હદના વિસ્તારોમાં પાછાં ફર્યા હતા અને એમણે 7-દિવસના હોમ-ક્વોરન્ટિનમાં રહેવું ફરજિયાત છે. ત્યારબાદ આઠમા દિવસે એમણે કોવિડ-19 ટેસ્ટ કરાવવું પણ ફરજિયાત રખાયું છે. ધારો કે એમનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ એમણે બીજા સાત દિવસ હોમ-ક્વોરન્ટિનમાં રહેવું પડશે. આરોગ્યને લગતા નિયમોનો ભંગ ન થાય એની તકેદારી લેવાની જવાબદારી હાઉસિંગ સોસાયટીનાં સભ્યોની બનશે. નિયમોનો ભંગ રોકવા માટે મહાનગરપાલિકાના વિસ્તારોમાં લગ્ન સમારંભો તથા અન્ય મેળાવડા-સભાઓના આયોજનો પર પાલિકા તંત્ર ચાંપતી દેખરેખ રાખે છે. કેડીએમસી વિસ્તારોમાં 72 ટકા લોકોએ કોરોના-વિરોધી રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે અને 52 ટકા લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]