કોમી લાગણી ભડકાવતો ટીકટોક વિડિયો પોસ્ટ કરવા બદલ અભિનેતા એજાઝ ખાનની મુંબઈમાં ધરપકડ

મુંબઈ – કોમવાદી ઉશ્કેરણી ફેલાવે એવો ટીકટોક વિડિયો સોશિયલ મિડિયા પર કથિતપણે પોસ્ટ કરવા બદલ મુંબઈ પોલીસે વિવાદાસ્પદ અભિનેતા એજાઝ ખાનની આજે ધરપકડ કરી છે.

‘જો ઉખાડના હૈ… ઉખાડ લે’ શીર્ષકવાળા તે ટીકટોક વિડિયો એક ચોક્કસ સમાજ વિરુદ્ધ હિંસા ભડકાવવા માટે લોકોને ઉશ્કેરતો હોવાનું કહેવાય છે.

બિહારમાં એક ટોળાએ તબરેઝ અન્સારી નામના એક નાગરિકની કરેલી હત્યાનો બદલો લેવા માટે આ ટીકટોક વિડિયો બનાવાયો હોવાનું મનાય છે. વિડિયોમાં એજાઝ ખાન એક ચોક્કસ સમુદાયનાં લોકોને મારી નાખવાની ધમકી આપતો જોવા મળ્યો છે.

એજાઝની ધરપકડ કરવામાં આવી છે અને એને કોર્ટમાં હાજર પણ કરવામાં આવશે. કોમવાદી લાગણી ભડકાવવા ઉપરાંત એ વિડિયોમાં મુંબઈ પોલીસને પણ ખરાબ રીતે પ્રદર્શિત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ટીકટોક સ્ટાર ફૈસલ ખાન (ટીમ 07 ગ્રુપ)એ તબરેઝ અન્સારીના મોબ લિન્ચીંગ ઘટના અંગે કોમી ઉશ્કેરણી ફેલાવતો વિડિયો પોસ્ટ કર્યો હતો. એ જ વિષય પર એક અન્ય વિડિયો પણ બનાવવામાં આવ્યો હતો જેમાં એક્ટર એજાઝ ખાનને મુંબઈ પોલીસની મજાક ઉડાવતો જોઈ શકાય છે. એમાં તેણે તમામ મુસ્લિમોને જાગ્રત થવા અને હત્યાનો બદલો લેવા માટે ઉશ્કેર્યા હતા.

તે ટીકટોક વિડિયોમાં અનેક કલાકારોએ ભાગ લીધો છે. એ તમામની સામે પણ આવો કોમી હિંસાની ઉશ્કેરણી કરતો વિડિયો બનાવવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે.

એજાઝ ખાનની આ પહેલી જ વાર ધરપકડ કરાઈ નથી. અગાઉ કેફી દ્રવ્યો કથિતપણે રાખવા બદલ એન્ટી-નાર્કોટિક્સ વિભાગે એને અટકમાં લીધો હતો. બાદમાં એને જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો.

વિવાદાસ્પદ ટીકટોક વિડિયો પોસ્ટ કર્યા બાદ એજાઝ ખાન ભાગી ગયો હતો. આજે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ એને ઝડપી લીધો હતો.