મુંબઈમાં કોસ્ટલ રોડ બાંધવાની મનાઈ; શિવસેના, કોન્ટ્રાક્ટ મેળવનાર કંપનીઓને મોટો ફટકો

મુંબઈ – શિવસેના અને ભાજપશાસિત મુંબઈ મહાનગરપાલિકાના રૂ. 14 હજાર કરોડના મહત્ત્વાકાંક્ષી એવા કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે મંજૂરી આપવાની મુંબઈ હાઈકોર્ટે ના પાડી દીધી છે. પ્રોજેક્ટ માટે અપાયેલી કોસ્ટલ રેગ્યૂલેશન ઝોન (સીઆરઝેડ) મંજૂરી રદબાતલ કરતાં કોર્ટે એવું કારણ આપ્યું છે કે નિર્ણાયક પ્રક્રિયામાં ગંભીર ત્રુટિઓ અને ખામીઓ છે તેમજ એ માટે યોગ્ય વૈજ્ઞાનિક અભ્યાસ પણ કરવામાં આવ્યો નથી.

ચીફ જસ્ટિસ પ્રદીપ નંદ્રાજોગ અને ન્યાયમૂર્તિ એન.એન. જામદારની વિભાગીય બેન્ચે તેના ચુકાદામાં એમ કહ્યું છે કે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) 29.2 કિ.મી. લાંબા પ્રોજેક્ટ પરના કામકાજ આગળ વધારી શકશે નહીં.

આ સૂચિત પ્રોજેક્ટ દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ અને ઉત્તર મુંબઈમાં બોરીવલીને જોડનારો છે. મુંબઈ મહાનગરપાલિકા પ્રેરિત કોસ્ટલ રોડ પ્રોજેક્ટ 29.2 કિલોમીટર લાંબો હશે. એ મરીન લાઈન્સના પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી કાંદિવલી સુધીનો હશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં, પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરને વરલી સી ફેસ વિસ્તારને જોડતો 9.98 કિ.મી. લાંબો કોસ્ટલ રોડ બનાવાશે. કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે રૂ. 12000 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. કોસ્ટલ રોડ આઠ-લેનવાળો હશે. એ માટે દરિયાની અંદર ટનલ બાંધવા માટે દરિયામાં ભરણી કરવામાં આવશે.

કોર્ટે એવી નોંધ લીધી છે કે કેન્દ્ર સરકારે બહાર પાડેલા એન્વાયર્નમેન્ટલ ઈમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન હેઠળ મહાનગરપાલિકા (બીએમસી)એ આ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય મંજૂરી મેળવવી પડશે.

હાઈકોર્ટે કહ્યું હતું કે આ સાથે અમે ઘોષણા કરીએ છીએ કે કેન્દ્ર સરકાર પાસેથી એન્વાયર્નમેન્ટલ ઈમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન હેઠળ પર્યાવરણીય મંજૂરી મેળવ્યા વિના મુંબઈ મહાનગરપાલિકાએ આ પ્રોજેક્ટના કામકાજમાં આગળ વધવું નહીં. વધુમાં, વાઈલ્ડલાઈફ (પ્રોટેક્શન) એક્ટ, 1972 હેઠળ પણ મંજૂરી મેળવવી ફરજિયાત છે.

આ પ્રોજેક્ટ સામે શહેરના ચળવળકારો, રહેવાસીઓ અને માછીમારો વિરુદ્ધમાં ગયા છે. પ્રોજેક્ટને પડકારતી અનેક પીટિશન્સને હાઈકોર્ટે માન્ય રાખી છે અને પ્રોજેક્ટ માટેની સીઆરઝેડ મંજૂરી રદ કરી છે.

સુપ્રીમ કોર્ટમાં અપીલમાં જવા માટે હાઈકોર્ટના ઓર્ડર સામે બીએમસીના ધારાશાસ્ત્રી દારિયસ ખમ્ભાતાએ સ્ટેઓર્ડર માગ્યો હતો, પણ હાઈકોર્ટે એ વિનંતી નકારી કાઢી હતી.

કોર્ટના આ નિર્ણયથી આ પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ હાંસલ કરનાર લાર્સન એન્ડ ટુબ્રો અને એચસીસી જેવી કંપનીઓને મોટો ફટકો પડશે. એચસીસી અને હ્યુન્ડાઈના સંયુક્ત ઉપક્રમે આ પ્રોજેક્ટ સંબંધિત રૂ. 2,126 કરોડના કામકાજનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. જ્યારે એલએન્ડટી કંપનીને રૂ. 7,489 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.

કોર્ટના આ નિર્ણયને જોકે પર્યાવરણવાદી બિનસરકારી સંસ્થાઓ, પર્યાવરણના રક્ષણ માટે વ્યક્તિગત રીતે ચળવળ ચલાવતા આગેવાનો, કોસ્ટલ રોડ પ્રોજેક્ટના વિસ્તારના અમુક રહેવાસીઓએ આવકાર આપ્યો છે.