આજથી શાળાઓ ફરી-શરૂ થઈ; ક્લાસરૂમ્સ ફરી-જીવંત થયા

મુંબઈઃ કોરોનાવાઈરસ મહામારીનો દેશભરમાં ફેલાવો થયો હોવાને કારણે લાંબા સમય સુધી બંધ રખાયા બાદ શાળાઓને મહારાષ્ટ્ર રાજ્ય અને મુંબઈ શહેરમાં આજથી ફરી શરૂ કરવામાં આવી છે. આજે પહેલા દિવસે સંતાનોનાં માતા-પિતા અને વાલીઓ ચિંતિત જણાયા છે, પરંતુ વિદ્યાર્થીઓ તો ફરી શાળાએ જવામાં આનંદમાં જણાતાં હતાં. વિદ્યાર્થીઓ અને શિક્ષકોનાં પુનરાગમનથી ક્લાસરૂમ્સ ફરી જીવંત બની ગયા છે.

મુંબઈની એક શાળામાં ગુલાબનું ફૂલ આપીને વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાઓને જોકે કોવિડ-19 નિયંત્રણો અને સરકારી ગાઈડલાઈન્સના પાલન સાથે જ ફરી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. તમામ શિક્ષકો અને શિક્ષકેતર કર્મચારીઓએ કોરોના-પ્રતિરોધક રસીના બંને ડોઝ લઈ લીધા હોય તે ફરજિયાત રખાયું છે. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાએ 4 ઓક્ટોબરથી મુંબઈમાં વિગતવાર ગાઈડલાઈન્સ હેઠળ 8-12 ધોરણના વર્ગો ફરી શરૂ કરવાની ગઈ 30 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી. શાળાઓમાં અન્ય ધોરણોનાં વર્ગો ક્યારથી ફરી શરૂ કરવા દેવા તેનો નિર્ણય નવેમ્બરમાં લેવામાં આવશે.