આર્યન ખાન 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં

મુંબઈઃ શહેરમાં એક લક્ઝરી ક્રૂઝ જહાજ પરની પાર્ટી વખતે કેફી પદાર્થો મળી આવવાના કેસમાં પકડાયેલા બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના 23 વર્ષીય પુત્ર આર્યન ખાનને શહેરની કોર્ટે 7 ઓક્ટોબર સુધી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ની કસ્ટડીમાં રાખવાની મંજૂરી આપી છે.

એસ્પ્લેનેડ કોર્ટે આર્યન ખાન ઉપરાંત અરબાઝ સેઠ મર્ચંટ, મુનમુન ધામેચાને પણ 7 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટીમાં મોકલી દીધા છે. એનસીબીના અમલદારોએ ગોવા જતા અને મુંબઈના સમુદ્રકાંઠા નજીક લાંગરેલા ક્રુઝ જહાજ પર શનિવારે મોડી સાંજે દરોડો પાડ્યો હતો. આર્યન ખાન તથા અન્યો પાસેથી ડ્રગ્સ મળી આવતાં તેમને અટકમાં લીધા હતા. બાદમાં એમની પૂછપરછ કરી એમને એક દિવસ કસ્ટડીમાં પૂર્યા હતા. આજે એમને ફરી કોર્ટમાં હાજર કરાતાં કોર્ટે એમની કસ્ટડીને 7 ઓક્ટોબર સુધી લંબાવી દીધી છે. એનસીબી વતી કોર્ટમાં હાજર થયેલા એડિશનલ સોલિસીટર જનરલ ઓફ ઈન્ડિયા અનિલ સિંઘે હકીકતો તથા કડીઓની તપાસ કરવા આર્યન તથા અન્યોને 11 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં રાખવાની મંજૂરી માગી હતી.

આર્યન ખાનના વકીલ સતિષ માનશિંદેએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે આયોજકોએ આર્યનને જહાજ પરની પાર્ટી માટે આમંત્રિત કર્યો હતો. આર્યન, અરબાઝ અને મુનમુન પર કેફી દ્રવ્યો-વિરોધી કાયદા એનડીપીએસ એક્ટ, 1985ની કલમો 8 (સી), 20 (બી), 27 અને 35 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એનસીબીના વડા એસ.એન. પ્રધાને કહ્યું છે કે અમને ગુપ્તચર વિભાગ તરફથી ચોક્કસ બાતમી મળી હતી એટલે અમે ત્વરિત પગલું ભર્યું હતું. આમાં અમને બોલીવુડની કેટલીક વ્યક્તિઓની સંડોવણી માલૂમ પડી છે. અમે આ કેસમાં કોઈ પ્રકારના પૂર્વગ્રહ વગર કામ કરી રહ્યા છીએ. અમે આ કેસમાં છેલ્લા એક વર્ષથી કામ કરી રહ્યાં છીએ. આમાં વિદેશી નાગરિકો, ધનવાન લોકો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો કેટલા સંડોવાયેલા છે એની અમે તપાસ કરી રહ્યાં છીએ.