‘ડેથ સર્ટિફિકેટમાં ‘કોવિડ’ ઉલ્લેખ ન હોય તો પણ રૂ.50,000 આપો’

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો આદેશ આપ્યો છે કે કોરોનાવાઈરસ મહાબીમારીને કારણે મૃત્યુ પામેલા દરેક જણના પરિવારને રૂ. 50,000 ચૂકવવા માટે કેન્દ્ર સરકારે નિશ્ચિત કરેલી ગાઈડલાઈન્સનું તેઓ પાલન કરે. તેમણે આ એક્સ-ગ્રેસિયા રકમ અરજી કરાયાના 30 દિવસમાં જ ચૂકવવાની રહેશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તથા રાજ્ય સરકારોને કહ્યું છે કે તેઓ આ યોજનાને વ્યાપક રીતે પ્રસિદ્ધિ આપે, જેથી વધુ ને વધુ લોકોને એની જાણકારી પ્રાપ્ત થાય.

ન્યાયમૂર્તિ એમ.આર. શાહની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું છે કે કોઈ પણ રાજ્ય સરકારે એમ કહીને મૃતકના પરિવારને એક્સ-ગ્રેસિયા તરીકે રૂ. 50,000 ચૂકવવાની ના પાડવી નહીં કે મૃતકના ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ કોવિડ-19 દર્શાવ્યું નથી. ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ સુધારવા માટે જિલ્લા સત્તાધીશોએ ઉપાયકારી પગલાં લેવા જોઈએ. ગ્રીવન્સ રીડ્રેસલ કમિટી મૃત દર્દીના તબીબી રેકોર્ડ્સની ચકાસણી કરી શકે છે અને મૃતકના પરિવારને વળતર 30-દિવસમાં ચૂકવાય એની તકેદારી લઈ શકે છે. જે મૃતકનું ડેથ સર્ટિફિકેટ ઈસ્યૂ કરી દેવામાં આવ્યું હોય અને પરિવારજનોની ફરિયાદ હોય કે એમાં મરણનું કારણ દર્શાવવામાં આવ્યું નથી તો તેઓ આ સમિતિનો સંપર્ક કરી શકે છે અને સર્ટિફિકેટમાં સુધારો કરાવવા આવશ્યક દસ્તાવેજો સુપરત કરી શકે છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) દ્વારા ઈસ્યૂ કરાયેલી ગાઈડલાઈન્સ અનુસાર, કોવિડ-19 બીમારીથી મૃત્યુ પામેલી વ્યક્તિઓનાં પરિવારોને રાજ્ય સરકારોએ સ્ટેટ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)માંથી એક્સ-ગ્રેસિયા સહાયતા રૂપે રૂ. 50,000ની ચૂકવણી કરવાની રહેશે.