BSEના ઈન્ટરનેશનલ કન્વેન્શન હોલમાં યોજાયો ઈન્વેસ્ટમેન્ટ અવેરનેસ અંગે ‘ચિત્રલેખા’નો સુવર્ણ જયંતિ કાર્યક્રમ
ગુજરાતીઓનું લોકપ્રિય મેગેઝિન ‘ચિત્રલેખા’ તેના 70મા યશસ્વી વર્ષમાં સફર કરી રહ્યું છે અને તેણે રોકાણકારોના માર્ગદર્શન પર અત્યાર સુધીમાં યોજેલા કાર્યક્રમોની હાફ સેન્ચૂરી પણ પૂરી કરી લીધી છે. આ સોનેરી અવસર – ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરવા માટે ‘ચિત્રલેખા’એ 24 જાન્યુઆરી, 2020ના શુક્રવારે મુંબઈ શેરબજાર (BSE) ખાતે કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ હતો આદિત્ય બિરલા સનલાઈફ મ્યુચ્યુઅલ ફંડ તથા BSEના સહયોગમાં ઈન્વેસ્ટર્સ માર્ગદર્શનનો. એમાં આર્થિક જગતના અવ્વલ દરજ્જાના નિષ્ણાતોએ યોગ્ય મૂડીરોકાણ કરવા વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ તબક્કાવાર બચત અને રોકાણની ફોર્મ્યુલાની સમજ આપી હતી.
ખરેખર, આ ન ચૂકવા જેવો જ સેમિનાર હતો અને એમાં ‘ચિત્રલેખા’નાં ચાહકો-વાચકો તથા ઈન્વેસ્ટરોએ સેંકડોની સંખ્યામાં હાજરી આપીને તકને હાથમાંથી જવા દીધી નહોતી. આ કાર્યક્રમમાં અતિથિ વક્તા તરીકે બોમ્બે સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે ચાવીરૂપ સંબોધન કર્યું હતું તો બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના સાધુ જ્ઞાનવત્સલદાસ તરફથી ‘પૈસાની પવિત્રતા’ વિશે વિશેષ વક્તવ્ય આપ્યું હતું.
સાધુ જ્ઞાનવત્સલદાસે એમના વક્તવ્યમાં ‘શુદ્ધ પૈસો અને સુરક્ષિત પૈસો’ વિશે પોતાનાં વિચારો પ્રદર્શિત કરીને આર્થિક જગતના મહારથીઓ તથા દર્શકો, સૌને પ્રભાવિત કરી દીધા હતા. એમણે કહ્યું કે, પૈસો પવિત્ર હોય તો જ સુરક્ષિત રહે અને પૈસો પવિત્ર-શુદ્ધ હશે તો તમારો પરિવાર પણ સુરક્ષિત રહેશે. પૈસા માટે ઘેલો પ્રેમ આજના કળીયુગનું એક લક્ષણ છે. પૈસો જરૂરી છે એમાં કોઈ શંકા નથી, પરંતુ ખોટી વૃત્તિ વડે પૈસો મેળવવો એ ખોટુું છે, જોખમી વલણ છે. નૈતિકતાથી, શુદ્ધ વૃત્તિથી મેળવેલા પૈસાના ઘણા લાભ છે. જેમ કે, એ પૈસો તમારી પાસે જ રહેશે, એનાથી પરિવારમાં સંસ્કાર આવે, રોજગારની તકોનું નિર્માણ થાય અને એવો પૈસો પ્રભુસેવામાં વપરાય.
‘પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે એક વાર એક સંદર્ભમાં માત્ર એટલું જ કહેલું કે પૈસાનું ઉચિત રીતે રોકાણ કરવું, સટ્ટો ન કરવો,’ એમ સાધુ જ્ઞાનવત્સલદાસે વધુમાં કહ્યું.
આશિષકુમાર ચૌહાણે મુંબઈ શેરબજારના કદ અને વ્યાપ વિશે જાણકારી આપી હતી. એમણે કહ્યું કે 1875માં સ્થપાયેલી મુંબઈ શેરબજાર સંસ્થા આજે 145 વર્ષ જૂની થઈ છે. એકાદ-બે કંપની સાથે શરૂ કરાયેલી બીએસઈ સંસ્થામાં આજે 5000થી વધારે કંપનીઓ લિસ્ટેડ થઈ છે. દેશનું અર્થતંત્ર આજે 2.2 ટ્રિલિયન ડોલરના કદનું થયું છે અને દેશની આ સંપત્તિમાં બીએસઈનું યોગદાન 25 ટકા જેટલું છે.
ચૌહાણે સ્ટોક (શેર) એટલે શું એ વિશે પણ સમજ આપતા કહ્યું કે, સ્ટોક માર્કેટ એક ભાગીદારીની સંસ્થા છે. પ્રારંભમાં અનલિમિટેડ લાયાબિલિટી હતી, પણ આજે દેશમાં લિમિટેડ લાયાબિલિટીવાળી કંપનીઓનું ચલણ છે. લોકો સાવ અજાણી કંપનીમાં મૂડીરોકાણ કરે છે. સ્ટોક એક્સચેન્જના માધ્યમ દ્વારા એમને ભરોસો રહે છે.
ચૌહાણે વધુમાં કહ્યું કે વિશ્વમાં ‘ઈઝ ઓફ ડુઈંગ’ રેન્કિંગ્સમાં સ્ટોક એક્સચેન્જ રેગ્યૂલેશનમાં ભારતીય શેરબજારનો નંબર ચોથો આવે છે. આ માટે ચૌહાણે ઈન્વેસ્ટરોનો આભાર માન્યો હતો અને કહ્યું કે એમને ખાતરી છે કે ભારત પ્રગતિના પંથે આગળ વધતો જ રહેશે.
ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવા માટે યોજાયેલી પેનલ ચર્ચામાં આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન ડેવલપમેન્ટ વિભાગના હેડ કે.એસ. રાવ, આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના વેસ્ટ ઝોન રીટેલ સેલ્સના હેડ વૈભવ ચુગ, ટોચના ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળા, આર્થિક પત્રકાર જયેશ ચિતલિયાએ ભાગ લીધો હતો. આ પેનલ ચર્ચામાં મોડરેટર તરીકેની ભૂમિકા ભજવી હતી જાણીતા ફાઈનાન્સિયલ માર્કેટ ટ્રેનર અમિત ત્રિવેદીએ.
છેલ્લા અમુક વર્ષોમાં ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ લોકોના અભિગમમાં શું ફેરફાર આવ્યો છે? એ વિશે રાવે કહ્યું કે ઘણો સરસ ફેરફાર જોવા મળ્યો છે. અગાઉ લોકો કહેતાં કે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં મૂડીરોકાણ કરવામાં માર્કેટનું જોખમ રહેલું છે, પણ આજે લોકો બોલે છે કે મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ. છેલ્લા છ વર્ષમાં રોકાણમાં સાત ગણી વૃદ્ધિ જોવા મળી છે. આજે SIP (સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન)માં મૂડીરોકાણ કરનારાઓની સંખ્યા ખૂબ વધી છે. રાવે યુવા લોકોને સલાહ આપી કે સેલ્ફી લેવી અને ઈમેજ લેવી એ બેમાં ઘણો ફરક છે. એટલે કે વધારે અભ્યાસ કરીને મૂડીરોકાણ કરવું જોઈએ. બાળકનો જન્મ થાય ત્યારે ઓછામાં ઓછી એક SIP શરૂ કરવી જોઈએ.
બચત અંગે લોકોમાં સમજ કેવી છે? એ વિશે વૈભવ ચુગે કહ્યું કે, બચત અંગે લોકોમાં નવી સમજ આવી છે. માત્ર સેવિંગ્સ કરવાથી કંઈ ન વળે, એનું યોગ્ય રીતે ઈન્વેસ્ટમેન્ટ પણ કરવું જોઈએ એમ લોકો સમજતા થયા છે અને પોતાની સંપત્તિને સંભાળતા થયા છે. નિવૃત્ત લોકો માટે ચુગે એવી સલાહ આપી હતી કે નિવૃત્ત થઈ ગયા બાદ પણ લોકોએ એમનાં સપનાંને જીવતા રાખવા જ જોઈએ અને ફૂગાવાની અસરને ધ્યાનમાં રાખીને મૂડીરોકાણ કરવું જોઈએ. તાકીદની જરૂરિયાત માટે અને લાંબા ગાળાના ફાયદા માટે અલગ અલગ પ્રકારનું મૂડીરોકાણ કરવું જોઈએ. ઈક્વિટીમાં પૈસા ઈન્વેસ્ટ કરવા જોઈએ, કારણ કે એમાં ઊંચા વળતરની આશા રાખી શકાય છે. બજાર તૂટતું હોય છે ખોટા સમાચાર અને અફવાથી અને બજાર વધતું હોય છે કંપનીઓની આવક (કોર્પોરેટ અર્નિંગ્સ) વધવાથી.
ઈન્વેસ્ટમેન્ટમાં રિસ્ક અને રિટર્ન વિશે ગૌરવ મશરૂવાળાએ કહ્યું કે રોકાણકારોએ એ સમજી લેવું જોઈએ કે મૂડીરોકાણ કરવામાં જોખમોને ધ્યાનમાં લેવા જોઈએ એ વિશે તો હું લોકોને સમજાવતો હોઉં છું, પણ સાથોસાથ એમ પણ કહું છું કે જોખમ લેવાથી જ વળતર મળે. મંદીમાં ઈન્વેસ્ટરોએ કયા ફેરફારો કરવા જોઈએ? એ વિશે મશરૂવાળાએ કહ્યું કે ધ્યેયને અનુલક્ષીને મૂડીરોકાણ કરવું હોય તો મંદી હોય કે તેજી, કોઈ ફેરફાર કરવાની જરૂર રહેતી નથી. મૂડીરોકાણ કરવા માટેની યાદી પોતાના ધ્યેયને સામે રાખીને બનાવવી જોઈએ. બાહ્ય સ્થિતિને જોઈને મૂડીરોકાણમાં ફેરફાર કરવા ન જોઈએ.
SIP વિશે જયેશ ચિતલિયાએ કહ્યું કે, પદ્ધતિસરના અને યોગ્ય પ્રકારના મૂડીરોકાણ દ્વારા લાખોપતિ-કરોડપતિ બની શકાય છે એવું હવે લોકો સમજતા થયા છે. મ્યુચ્યુઅલ ફંડમાં ઘણી પ્રોડક્ટ્સ છે જેમાં ઈન્વેસ્ટ કરી શકાય છે. નીતિપૂર્વક અને સિસ્ટમેટિક રીતે ઈન્વેસ્ટમેન્ટ કરવાથી શુદ્ધ પૈસો પ્રાપ્ત થાય છે. નાના રોકાણકારો માટે મ્યુચ્યુલ ફંડ શ્રેષ્ઠ માધ્યમ છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે લોકોને ઈન્વેસ્ટમેન્ટ અંગે કઈ સલાહ આપશો? એવા સવાલના જવાબમાં ચિતલિયાએ કહ્યું કે, પ્રજાસત્તાક દિવસ એ સ્વાતંત્ર્ય દિવસ સાથે જ સંબંધિત છે એટલે લોકોને સલાહ આપીશ કે સ્વતંત્ર રીતે અભ્યાસ કરીને તમારે નિર્ણય લેવા જોઈએ. બજારની સ્થિતિ નહીં, પણ તમારા પોર્ટફોલિયોની પોઝિશન જોઈને મૂડીરોકાણ કરવું જોઈએ. અર્થાત બજાર કરતાં તમારું વધુ ધ્યાન તમારા સ્ટોક પર હોવું જોઈએ. કંપનીઓના મેનેજમેન્ટ તથા એના ફંડામેન્ટલ્સ પર આધાર રાખવો જોઈએ.
‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટક અને વાઈસ-ચેરમેન મનન કોટકે સાધુ જ્ઞાનવત્સલદાસ તથા ગૌરવ મશરૂવાળાનું આ પ્રસંગે સ્મૃતિચિન્હ આપીને સમ્માન કર્યું હતું. ગૌરવ મશરૂવાળાએ કહ્યું કે પોતે 2010ની સાલથી ‘ચિત્રલેખા’ના ઈન્વેસ્ટર્સ અવેરનેસ સેમિનારોમાં ભાગ લઈ રહ્યા છે. આ સહયોગ બદલ એમણે ‘ચિત્રલેખા’ના માલિકો મૌલિક કોટક અને મનન કોટક તેમજ માર્કેટિંગ વિભાગના વેન ડિસોઝા અને ગીતા લાલનો આભાર માન્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીએ આમંત્રિત મહેમાનો – આશિષકુમાર ચૌહાણ અને સાધુ જ્ઞાનવત્સલદાસ, પેનલ ચર્ચાના સહભાગીઓ – ગૌરવ મશરૂવાળા, કે.એસ. રાવ, વૈભવ ચુગ, જયેશ ચિતલિયા અને અમિત ત્રિવેદી તથા ઈન્વેસ્ટરો અને ચિત્રલેખાના પ્રશંસકો-વાચકોનું સ્વાગત કર્યું હતું. ચિત્રલેખા તેના વાચકો તથા ઈન્વેસ્ટર વર્ગના માર્ગદર્શન માટે નિયમિતપણે વિવિધ શહેરોમાં આવા સેમિનારો યોજી રહ્યું છે. આ કાર્યક્રમના સહયોગીઓ ‘નિરાલી’ તથા ‘BSE’નો તેમણે આભાર માન્યો હતો.
કાર્યક્રમનું સંચાલન જાણીતા કવિ અને લેખક મુકેશ જોશીએ કર્યું હતું. ‘ચિત્રલેખા’ને એમણે જીવનનો ધબકાર તરીકે ગણાવ્યું હતું, ‘કારણ કે એ વિવિધ વિષયો પર અલગ અલગ પ્રકારે કાર્યક્રમો યોજીને વાચકો સાથે સંબંધ જાળવી રાખે છે. એમાંય બચત મારફત મૂડીરોકાણ કઈ રીતે વધારી શકાય એ સંદર્ભમાં મ્યુચ્યુઅલ ફંડ માર્ગદર્શન અને જનજાગૃતિના કાર્યક્રમો ઉલ્લેખનીય છે,’ એમ તેમણે કહ્યું હતુું.
હાઈ-Tea સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો અને કાર્યક્રમના અંતે ડિનર લઈને સહુ છૂટાં પડ્યાં હતાં.
(સમગ્ર કાર્યક્રમની વધુ તસવીરો જુઓ)
અહેવાલઃ મનોજ મોતીવાલા
તસવીરોઃ દીપક ધુરી, પ્રકાશ સરમળકર