રાજ ઠાકરેના પુત્ર અમિતે રાજકારણમાં ઝંપલાવ્યું; MNSમાં જોડાયા

મુંબઈ – મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના સ્થાપક-વડા રાજ ઠાકરેએ આજે એમની પાર્ટીના નવા ધ્વજનું અનાવરણ કર્યું હતું અને સાથોસાથ એક નવા ચહેરાને પાર્ટીમાં સામેલ કર્યો છે. આ નવા સભ્ય છે એમનો પુત્ર અમિત.

મનસે પાર્ટી તેનો ધ્વજ બદલશે અને અમિત ઠાકરે રાજકારણમાં ઝંપલાવશે એવી વાતો ઘણા વખતથી સંભળાતી જ હતી અને આજે એ ઘોષિત થઈ ગયું.

શિવસેનાનાં સ્થાપક અને પોતાના કાકા સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરેની આજે 94મી જન્મજયંતિના દિવસે રાજ ઠાકરેએ પાર્ટીનો નવો ધ્વજ રિલીઝ કર્યો છે અને પોતાના પુત્ર અમિતને પક્ષમાં સામેલ કર્યા છે.

આજે ગોરેગામ (ઈસ્ટ)સ્થિત ‘નેસ્કો’ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મનસે પાર્ટીના નવા ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું હતું. રાજ ઠાકરેએ પક્ષના હજારો કાર્યકર્તાઓની હાજરીમાં નવા ધ્વજને રિલીઝ કર્યો હતો. આ પ્રસંગે પક્ષના સિનિયર નેતા બાલા નાંદગાંવકરે જાહેરાત કરી હતી કે અમિત ઠાકરે આજથી મુખ્યપ્રવાહના રાજકારણમાં સામેલ થઈ ગયા છે.

મનસે પાર્ટીના નવા ધ્વજનો રંગ કેસરી છે અને એની પર ‘રાજ મુદ્રા’ અંકિત કરવામાં આવ્યો છે. આ રાજ મુદ્રા છત્રપતિ શિવાજી મહારાજના શાસન વખતે વપરાતો હતો. મનસેનો નવો ધ્વજ તેના જૂના ધ્વજથી સાવ જ અલગ છે. જૂના ધ્વજમાં બ્લુ, લીલા અને કેસરી રંગોની બેન્ડ્સ હતી અને એની પર પક્ષના ચૂંટણી પ્રતિક એન્જીનનું ચિત્ર હતું.

નવા પાર્ટી ધ્વજ પરથી એવું લાગે છે કે પક્ષ હિન્દુત્વ આદર્શવાદ તરફ જઈ રહ્યો છે.

મનસે પાર્ટીની રાજ્ય કારોબારીની બેઠકમાં પણ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મૂકવામાં આવી હતી. એની સાથે જ, વિનાયક દામોદર સાવરકર, બાબાસાહેબ આંબેડકર, સાવિત્રીબાઈ ફૂલે અને પ્રબોધનકાર ઠાકરેની છબીઓ પણ મૂકવામાં આવી હતી.

અગાઉ એવી અફવા હતી કે મનસે પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવશે. આ અફવા એટલા માટે ઉડી હતી કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને મહારાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસે થોડાક દિવસ પહેલાં મુંબઈની એક હોટેલમાં રાજ ઠાકરે સાથે મીટિંગ કરી હતી. જોકે બાદમાં બંને નેતાએ રદિયો આપ્યો હતો કે એમની વચ્ચે એવી કોઈ બેઠક થઈ જ નથી.