‘એ શરતે મુંબઈ-લોકલમાં બધાયને પ્રવાસની છૂટ આપીશું’

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસ મહાબીમારીની ત્રીજી લહેર આવવાનો કોઈ સંકેત જણાતો નથી એવું રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ગઈ કાલે નિવેદન કર્યા બાદ કેન્દ્રના રાજ્યકક્ષાના રેલવે પ્રધાન રાવસાહેબ દાનવેએ કહ્યું છે કે, બધાં લોકો મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરે એની સામે અમને કોઈ વાંધો નથી. બધાંને લોકલમાં પ્રવાસ કરવા દેવાની જો મહારાષ્ટ્ર સરકાર વિનંતી કરશે તો કેન્દ્ર સરકાર એ માટે તત્કાળ મંજૂરી આપશે. આમાં શરત એ છે કે રાજ્ય સરકારે એમ જણાવવું પડશે કે રાજ્યમાં રોગચાળો કાબૂમાં છે.

મુંબઈમાં હાલ સામાન્ય જનતામાંથી માત્ર એવા લોકોને જ પ્રવાસ કરવાની છૂટ અપાય છે જેમણે કોરોના પ્રતિરોધક રસીનો બીજો ડોઝ લીધાને 14 દિવસ થઈ ગયા હોય. સંબંધિત સત્તાવાળાઓ ચકાસણી કરે એ પછી જ વ્યક્તિને માસિક ટ્રેન પાસ આપવામાં આવે છે. તમામ પ્રવાસીઓએ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે એમની સાથે એમનો માસિક પાસ, કોરોના રસીકરણનું આખરી સર્ટિફિકેટ તથા ઓળખપત્ર સાથે રાખવા ફરજિયાત છે.