મુંબઈથી વધુ બે બુલેટ-ટ્રેન ચાલુ કરવાની યોજના

મુંબઈઃ દેશભરમાં બુલેટ ટ્રેન યોજનાઓ ચાલુ કરવાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં 44 ટકા જમીન પ્રાપ્ત કરી લેવામાં આવી છે. હવે મહારાષ્ટ્રમાં બે વધુ બુલેટ ટ્રેન યોજના શરૂ કરવાનું નક્કી કરાયું છે. આ બે બુલેટ ટ્રેન પણ મુંબઈથી જ શરૂ થશે. એક ટ્રેન મુંબઈને નાશિક માર્ગે નાગપુર (767 કિ.મી.)ને જોડશે અને બીજી ટ્રેન મુંબઈ-પુણે વચ્ચે શરૂ કરાશે. મુંબઈ-નાશિક-નાગપુર બુલેટ ટ્રેનના માર્ગમાં શિર્ડી, ઔરંગાબાદ સહિત 14 સ્ટેશનો આવશે. આ ટ્રેન મુંબઈમાં થાણેમાંથી શરૂ થશે. ટ્રેનની મહત્તમ સ્પીડ 350 કિ.મી. પ્રતિ કલાક રહેશે. ટ્રેનની ક્ષમતા 750 પ્રવાસીઓની હશે. આ ટ્રેન શરૂ થવાથી મુંબઈ-નાગપુર વચ્ચેનું અંતર ઘટીને છ કલાકનું થઈ જશે, જે સામાન્ય એક્સપ્રેસ ટ્રેનમાં 11-12 કલાક લાગે છે.

મુંબઈથી પુણે વચ્ચેની બુલેટ ટ્રેન ચાલુ થયા બાદ આ બે શહેર વચ્ચેનું ટ્રેન અંતર માત્ર 90 મિનિટમાં પૂરું કરી શકાશે. જે માટે હાલ એક્સપ્રેસ ટ્રેન દ્વારા ત્રણ કલાકથી પણ વધારે સમય લાગે છે. બુલેટ ટ્રેનોની લાઈન પર ધરતીકંપનો તત્કાળ પતો લગાવવા માટેની એલાર્મ સિસ્ટમ બેસાડવામાં આવશે. ભૂકંપ આવે તો આ લાઈન પરની ટ્રેન ઓટોમેટિક બ્રેક સાથે ઊભી રહી જશે.