મોદીની સુરક્ષા માટે સૌથી-મોંઘી બુલેટપ્રૂફ-કાર ‘મર્સિડીઝ-મેબેક-S650 ગાર્ડ’

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર કાફલાને સુરક્ષાની દ્રષ્ટિએ અપગ્રેડ કરવામાં આવ્યો છે. એમના કાર કાફલામાં રેન્જ રોવર વોગ અને ટોયોટા લેન્ડ ક્રૂઝરની જગ્યાએ ‘મર્સિડીઝ-મેબેક S650 ગાર્ડ’ સશસ્ત્ર કારને સામેલ કરવામાં આવી છે. દેશના વડાનું રક્ષણ કરવાની જવાબદારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)ને સોંપવામાં આવી છે. વડા પ્રધાનની સુરક્ષા જરૂરિયાતોને પારખીને એમના રક્ષણ માટે નવી વધારે મજબૂત અને સુરક્ષિત કાર મેળવવાની વિનંતી તે જ સરકારને કરતું હોય છે. ‘મર્સિડીઝ-મેબેક S650 ગાર્ડ’ની મહત્તમ સ્પીડ 160 કિ.મી. પ્રતિ કલાકની છે. કારની બોડી અને બારીઓ લોખંડની ગમે તેટલી મજબૂત ગોળીઓ સામે પણ ઝીંક ઝીલી શકે એવી છે. વિસ્ફોટમાં પણ આ કારને કોઈ અસર થતી નથી.

વડા પ્રધાન મોદી આ નવી ‘મર્સિડીઝ-મેબેક S650 ગાર્ડ’ કારમાં પહેલી વાર તાજેતરમાં નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે જોવા મળ્યા હતા. ત્યાં તેઓ ભારતની ટૂંકી મુલાકાતે આવેલા રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવા ગયા હતા. વડા પ્રધાનના કાર કાફલામાં તે કાર ફરી જોવા મળી છે. ‘મર્સિડીઝ-મેબેક S650 ગાર્ડ’ કાર અત્યંત મોંઘી અને બુલેટપ્રુફ કાર છે. આ કારને ગયા વર્ષે ભારતમાં રૂ. 10.5 કરોડમાં લોન્ચ કરાઈ હતી. આજે તેની કિંમત વધીને રૂ. 12 કરોડ થઈ છે.