મુંબઈ – મહારાષ્ટ્રમાં ચાર મુખ્ય પક્ષો – ભારતીય જનતા પાર્ટી, શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ સરકાર રચવામાં નિષ્ફળ ગયા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ તમામ પાર્ટીઓ હજી પણ સરકાર રચવાના પ્રયાસોમાં વ્યસ્ત છે.
ભાજપ અને શિવસેનાની યુતિ (જોડાણ)ને મતદારોએ કુલ 161 સીટ પર જીત અપાવી હતી, પણ સત્તાની વહેંચણીના મામલે બંને વચ્ચે ઝઘડો થયો, યુતિ તૂટી ગઈ અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની નોબત આવી ગઈ.
દરમિયાન, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે સરકાર રચવા માટે સાથ આપવા માટે ભાજપ હજી પણ બિનસત્તાવાર માર્ગો મારફત મારા સંપર્કમાં છે.
ઠાકરેએ એમ પણ કહ્યું કે ભાજપવાળાઓ દર વખતે મને અણઘડ અને ભળતી-સળતી ઓફરો કર્યા કરે છે. પરંતુ અમે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે જવાનું નક્કી કરી લીધું છે.
શિવસેનાના ભૂતપૂર્વ નેતા, રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હવે ભાજપમાં જોડાઈ ગયેલા નારાયણ રાણેએ એવો દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે પોતાને દેવેન્દ્ર ફડણવીસે કામે લગાડ્યા છે. સરકાર રચવા માટે અને યુતિને ફરી સજીવન કરવા માટે શિવસેનાને સમજાવવાની જવાબદારી પોતાને સોંપવામાં આવી છે.
શિવસેનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં રહેલા પોતાના એકમાત્ર સભ્ય અરવિંદ સાવંતને હેવી ઈન્ડસ્ટ્રીઝ ખાતાના પ્રધાનપદેથી રાજીનામું અપાવીને ભાજપ-એનડીએ સાથેનો સંબંધ દેખીતી રીતે તોડી નાખ્યો છે. કારણ કે મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ટેકો જોઈતો હોય તો ભાજપ-એનડીએ સાથેનો સંબંધ તોડી નાખવાની એનસીપી-કોંગ્રેસની પૂર્વશરત હતી.
એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે અમારો ટેકો પુરવાર કરવા માટે રાજ્યપાલ ભગતસિંગ કોશિયારીએ અમને બે દિવસનો સમય આપવાની પણ ના પાડી, પણ હવે એમણે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાવીને બીજી પાર્ટીઓને ટેકાના પત્રો સુપરત કરી શકાય એ માટે છ મહિનાનો સમય આપી દીધો છે.
ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે સરકાર રચવાની એમના પક્ષની અસમર્થતા બતાવ્યા બાદ અમને એવી શુભેચ્છા આપી હતી કે શિવસેના ભલે કોંગ્રેસ-એનસીપી સાથે મળીને સરકાર બનાવે. એવું કહીને એમણે અમને એક દિશા બતાવી દીધી, અમે એમને નિરાશ નહીં કરીએ.