શિવસેનાને ટેકો આપવાના મુદ્દે હજી અમે નિર્ણય લીધો નથીઃ એનસીપી, કોંગ્રેસ

મુંબઈ – કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ આજે સાંજે કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે શિવસેનાને ટેકો આપવાના મુદ્દે અમે હજી કોઈ નિર્ણય લીધો નથી, પણ અમે એ મુદ્દે વધારે ચર્ચા કરીશું.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલ અને એનસીપીના પ્રમુખ શરદ પવારે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. એમાં કોંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને કે.સી. વેણુગોપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમને એનસીપી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ નિયુક્ત કર્યા હતા.

એહમદ પટેલે કહ્યું કે અમે (કોંગ્રેસ અને એનસીપી) બંનેએ મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર પૂરી પાડવાની શક્યતા અંગે ખૂબ ચર્ચા કરી છે. શિવસેનાએ ચૂંટણી ભાજપના સંગાથમાં લડી હતી. એણે નવી સરકાર રચવા માટે છેક ગયા સોમવારે જ અમારો સંપર્ક કર્યો હતો અને ટેકો માગ્યો હતો.

પરંતુ, કોંગ્રેસે છેલ્લી ઘડીએ ટેકાનો પત્ર ન આપતાં રાજ્યમાં બિન-ભાજપ સરકાર રચવાના શિવસેનાના પ્રયાસને મોટો ફટકો પડ્યો હતો.

એનસીપી, કોંગ્રેસ સાથે ચર્ચા કરવા અમારે વધારે સમયની જરૂર છેઃ ઉદ્ધવ ઠાકરે

દરમિયાન, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ પત્રકાર પરિષદ બોલાવી હતી અને એમાં કહ્યું કે, અમે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના નિર્ણયની વિરુદ્ધમાં કોર્ટમાં પીટિશન કરી નથી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, કોંગ્રેસ-એનસીપી અને અમારા વૈચારિક મતભેદો છે. એટલે એમની સાથે ગોઠવણ કરવામાં સમયની જરૂર છે.