મુંબઈ, મહારાષ્ટ્રની જનતાએ કોંગ્રેસને નકારી કાઢી; ભાજપ-શિવસેના યુતિનો જયજયકાર

મુંબઈ – શાસક ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાનાં જોડાણે લોકસભા ચૂંટણીમાં મુંબઈની તમામ 6 બેઠક જીતવા સાથે મહારાષ્ટ્રમાં પણ જ્વલંત વિજય હાંસલ કર્યો છે.

રાજ્યમાં 48 બેઠકોમાંથી આ યુતિએ 42 સીટ કાં તો જીતી લીધી છે અથવા એની પર સરસાઈમાં છે. આ યુતિને 2014ની ચૂંટણી જેવો જ લાભ આ વખતે પણ મળ્યો છે.

મુંબઈ ઉત્તર-પૂર્વ બેઠક પર ભાજપના મનોજ કોટકનો વિજય થયો છે. એમની સામે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સંજય દીના પાટીલનો પરાજય થયો છે.

મુંબઈ ઉત્તર બેઠક પર ભાજપના ગોપાલ શેટ્ટીનો વિજય થયો છે. એમની સામે કોંગ્રેસનાં ઉર્મિલા માતોંડકરનો પરાજય થયો છે. શેટ્ટી 2014ની ચૂંટણીમાં પણ વિજયી થયા હતા. એમણે પાંચ લાખથી વધુ મતના માર્જિનથી જીત હાંસલ કરી છે.

મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પર શિવસેનાનાં ગજાનન કીર્તિકરનો વિજય થયો છે. એમની સામે કોંગ્રેસના સંજય નિરુપમ હારી ગયા છે.

મુંબઈ ઉત્તર-મધ્ય બેઠક પર ભાજપનાં પૂનમ મહાજને કોંગ્રેસનાં પ્રિયા દત્તને હાર આપી છે. પૂનમ મહાજને 2014ની ચૂંટણીમાં પણ જીત મેળવી હતી.

મુંબઈ દક્ષિણ-મધ્ય બેઠક પર શિવસેનાનાં રાહુલ શેવાળે વિજયી થયા છે. એમની સામે કોંગ્રેસના એકનાથ ગાયકવાડનો પરાજય થયો છે.

મુંબઈ દક્ષિણ બેઠક પર શિવસેનાનાં અરવિંદ સાવંતે કોંગ્રેસના મિલિંદ દેવરાને પરાજય આપ્યો છે.

કેન્દ્રીય પ્રધાન ગડકરી નાગપુરમાં જીત્યા

નાગપુરમાં નીતિન ગડકરી વિજયી થયા છે. એમની સામે કોંગ્રેસના નાના પટોલેનો પરાજય થયો છે.

પાલઘરમાં શિવસેનાનાં રાજેન્દ્ર ગાવિતનો વિજય થયો છે. એમની સામે બહુજન વિકાસ આઘાડીના બળીરામ જાધવનો પરાજય થયો છે.

જાલનામાં, ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ રાવસાહેબ દાનવેનો વિજય થયો છે.

નાશિકમાં, શિવસેનાનાં હેમંત ગોડસેનો વિજય થયો છે અને એનસીપીના સમીર ભુજબળનો પરાજય થયો છે.

બીડમાં, પ્રીતમ ગોપીનાથ મુંડેનો વિજય થયો છે.

માતોશ્રી ખાતે સંયુક્ત પત્રકાર પરિષદ

સાંજે, ભાજપ-શિવસેના યુતિના શાનદાર વિજયને પગલે મુંબઈમાં બાન્દ્રા (ઈસ્ટ) ઉપનગરમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. એમાં ઉદ્ધવ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન, રીપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ આઠવલેએ પત્રકારોને સંબોધિત કર્યા હતા અને જીત બદલ ખુશી વ્યક્ત કરી હતી.

મુંબઈના ચર્ચગેટ સ્ટેશન પર વિશાળ સ્ક્રીન પર ચૂંટણી પરિણામોની વિગતો નિહાળતા પ્રવાસીઓ

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]