મોદી મેજિક યથાવત્ઃ ભાજપે એકલેહાથે 300 સીટ હાંસલ કરી

નવી દિલ્હી – લોકસભા ચૂંટણી 2019માં નરેન્દ્ર મોદીનો જાદુ દેશભરમાં ફરી છવાઈ ગયો છે. 542 બેઠકોનાં આજે જાહેર કરવામાં આવેલા પરિણામમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) ગ્રુપે રાતે 9 વાગ્યાના સમય સુધીમાં 347 સીટ જીતી હતી. આમાં, ભાજપનો હિસ્સો 300 બેઠકોનો છે. 2014ની ચૂંટણીમાં ભાજપે 282 સીટ જીતી હતી. આમ, એને આ વખતની ચૂંટણીમાં 18 સીટનો ફાયદો થયો છે. આ વખતની ચૂંટણીમાં પાર્ટીએ 436 ઉમેદવારોને ઊભાં રાખ્યા હતા.

આ વખતની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી મજબૂત નેતા તરીકે  સમગ્ર દેશમાં સર્વમાન્ય નેતાનાં રૂપમાં ઉભરી આવ્યા છે. નોટબંધી, જીએસટી અને આતંકવાદ વિરુદ્ધ લીધેલા કડક નિર્ણયોએ મોદીની છાપને વધારે સશક્ત બનાવી છે.

કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુપીએ) 80 સીટ જીતી હતી. આમાં, કોંગ્રેસનો હિસ્સો 51 સીટનો છે. એણે 2014ની ચૂંટણીમાં 43 સીટ જીતી હતી. આમ આ વખતે એને 8 સીટનો ફાયદો થયો છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પક્ષ સમાવિષ્ટ મહાગઠબંધને 17 તથા અન્યોએ 98 સીટ પર કબજો મેળવ્યો છે.

પક્ષવાર યાદીમાં, ત્રીજા ક્રમે આવે છે વાયએસઆર કોંગ્રેસ, જેણે 24 સીટ જીતી છે. ડીએમકે પાર્ટીએ 23, તૃણમુલ કોંગ્રેસે 23, શિવસેનાએ 18, જનતા દળ (યુનાઈટેડ)એ 16, બિજુ જનતા દળે 13, બહુજન સમાજ પાર્ટીએ 11, તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ 9, લોક જનશક્તિ પાર્ટીએ 6, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પાંચ, સમાજવાદી પાર્ટીએ પાંચ, સીપીએમ પાર્ટીએ 3, અપક્ષ ઉમેદવારોએ 3 બેઠક પર જીત મેળવી છે. નેશનલ કોન્ફરન્સ, ઈન્ડિયન મુસ્લિમ લીગે પણ 3-3 બેઠક જીતી છે. એઆઈએડીએમકે, એઆઈએમએમ, સીપીઆઈ, શિરોમણી અકાલી દળ પાર્ટીઓએ 2-2 બેઠક જીતી છે. આમ આદમી પાર્ટી, અપના દલ, જનતા દળ (સેક્યૂલર), તેલુગુ દેસમ પાર્ટી તથા બીજી અનેક પાર્ટીઓએ એક-એક બેઠક જીતી છે.

ભાજપ માટે સારા સમાચાર એ છે કે એણે ઉત્તર પ્રદેશમાં પણ જોરદાર દેખાવ કર્યો છે. ત્યાં એને સમાજવાદી-પાર્ટી-બહુજન સમાજ પાર્ટીના ગઠબંધન તરફથી જોરદાર પડકાર હતો.

આ વખતે 11 એપ્રિલથી 19 મે સુધી ચાલેલા મતદાનના સાત રાઉન્ડ્સમાં સરેરાશ 67 ટકા લોકોએ મતદાન કર્યું હતું.

મોટા ભાગના એક્ઝિટ પોલ્સમાં આગાહી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બીજેપી પાર્ટીની આગેવાની હેઠળનો નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) સમૂહ તેની સત્તા જાળવી રાખશે.


LIVE અપડેટ્સઃ

એનડીએ ગ્રુપે 542માંથી 347 સીટ જીતી હતી. આમાં, ભાજપનો હિસ્સો 300 બેઠકોનો છે.

2014ની ચૂંટણીમાં ભાજપે 282 સીટ જીતી હતી. આમ, એને આ વખતની ચૂંટણીમાં 18 સીટનો ફાયદો થયો છે. આ વખતની ચૂંટણીમાં પાર્ટીએ 436 ઉમેદવારોને ઊભાં રાખ્યા હતા.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી 5 લાખ 74 હજાર મતથી જીતી રહ્યા છે.

નરેન્દ્ર મોદી 26 મેએ પોતાની સરકાર રચવાનો દાવો રજૂ કરશે

આજે સાંજે 6 વાગ્યે પીએમ મોદી પત્રકાર પરિષદને સંબોધિત કરશે

મહારાષ્ટ્રઃ ભાજપ 23 બેઠકો પર આગળ છે, ભાગીદાર પક્ષ શિવસેના 20માં જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 3માં આગળ છે.

મહારાષ્ટ્રઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારના ભત્રીજા પાર્થ અજીત પવાર માવળ બેઠક પર શિવસેનાનાં શિરાન બારને સામે પાછળ છે

મહારાષ્ટ્રઃ ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન, કોંગ્રેસના નેતા સુશિલકુમાર શિંદે સોલાપુરમાં પાછળ છે.

મહારાષ્ટ્રઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં સુપ્રિયા સુળે બારામતીમાં આગળ છે.

મુંબઈની તમામ છ સીટ પર ભાજપ-શિવસેના યુતિનાં ઉમેદવારો જીતની સ્થિતિમાં.
મુંબઈ-દક્ષિણમાં શિવસેનાનાં અરવિંદ સાવંત સામે કોંગ્રેસના મિલિંદ દેવરા પાછળ.
મુંબઈ-ઉત્તરમાં ગોપાલ શેટ્ટી સામે કોંગ્રેસનાં ઉર્મિલા માતોંડકર પાછળ.
મુંબઈ ઉત્તર-મધ્યમાં પૂનમ મહાજન સામે કોંગ્રેસનાં પ્રિયા દત્ત પાછળ.
મુંબઈ ઉત્તર-પૂર્વમાં મનોજ કોટક સામે એનસીપીના સંજય દીના પાટીલ પાછળ.
મુંબઈ ઉત્તર-પશ્ચિમમાં શિવસેનાનાં ગજાનન કીર્તિકર સામે કોંગ્રેસના સંજય નિરુપમ પાછળ
મુંબઈ દક્ષિણ-મધ્યમાં શિવસેનાનાં રાહુલ શેવાળે સામે કોંગ્રેસના એકનાથ ગાયકવાડ પાછળ

શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત બદલ અભિનંદન આપ્યા. કહ્યું, અમે આપની સરકાર સાથે વધુ ગાઢ રીતે કામ કરવા ઈચ્છીએ છીએ.

મતગણતરીમાં બપોરે 12.50 વાગ્યાની સ્થિતિ મુજબઃ

ભાજપ+ (જીત/સરસાઈમાં) – 341

કોંગ્રેસ+ (જીત/સરસાઈ) – 90

અન્યો+અપક્ષો – 111

શાનદાર જીત તરફ ભાજપ-એનડીએના પ્રયાણને પગલે મુંબઈ શેરબજારમાં સેન્સેક્સ પ્રથમવાર 40 હજારની સપાટીએ પહોંચ્યો.

રાજકોટમાં, ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા 1 લાખ 36 હજાર મતથી આગળ

બિહારમાં, 40માંથી 38 સીટ પર ભાજપના ઉમેદવારો આગળ

મધ્ય પ્રદેશની તમામ 29 બેઠકો ઉપર ભાજપ આગળ

દિલ્હીમાં તમામ 7 બેઠકો પર ભાજપ આગળ, હરિયાણામાં પણ તમામ 10 બેઠકો પર ભાજપ આગળ.

વારાણસીમાં વડા પ્રધાન મોદી 70 હજારથી વધારે મતથી આગળ

ગુજરાતમાં ભાજપ તમામ ૨૬ બેઠકો પર આગળ

ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ 80 હજાર મતથી આગળ

ટ્રેન્ડ અનુસાર, ભાજપ અને સાથી પક્ષો 300 સીટ પર આગળ, કોંગ્રેસ-સાથી પક્ષો 100, અન્યો 69 બેઠકો પર આગળ છે.

રાયબરેલીમાં સોનિયા ગાંધી પાછળ.

મુંબઈ-ઉત્તરમાં કોંગ્રેસનાં ઉર્મિલા માતોંડકર હવે પાછળ થયાં. ભાજપનાં ગોપાલ શેટ્ટી સરસાઈમાં.

અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પાછળ

ટ્રેન્ડ્સમાં ભાજપની જીતને પગલે શેરબજારનો સેન્સેક્સ ઉછળ્યો. 800 પોઈન્ટ વધીને 39,680ને પાર ગયો.

ટ્રેન્ડ્સ અનુસાર, ભાજપને બહુમતી મળી ગઈ છે. 501 બેઠકોનાં ટ્રેન્ડ્સમાં ભાજપ 272 બેઠકો પર આગળ છે.

સૌથી મહત્વની ગણાતી ગુજરાતની વલસાડ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી પાછળ ચાલી રહ્યા છે

નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં આનંદનું વાતાવરણ છે. 489 બેઠકોનાં ટ્રેન્ડ અનુસાર, ભાજપ 263 પર આગળ, કોંગ્રેસ 117 પર.

નવી દિલ્હી બેઠક પર ભાજપના મનોજ તિવારી આગળ. એમની સામે મુખ્ય હરીફ છે કોંગ્રેસનાં શીલા દીક્ષિત

બારડોલી બેઠક પર ભાજપના પ્રભુ વસાવા આગળ

પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ ધડુક 1600 મતથી આગળ

જુનાગઢમાં સર્વર ડાઉન હોવાથી મતગણતરી શરુ નથી થઈ

વારાણસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગળ છે. એમની સામે મુખ્ય હરીફ છે કોંગ્રેસના અજય રાય

ગુજરાતઃ ગાંધીનગરમાં અમિત શાહ 19000 મતથી આગળ

ગુજરાતની 26 બેઠકો પૈકી 17ના ટ્રેન્ડ આવ્યાઃ 16 બેઠકો પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસ આગળ…

407 બેઠકોનાં ટ્રેન્ડમાં, ભાજપ 220 બેઠકો પર આગળ, કોંગ્રેસનાં ઉમેદવારો 112 બેઠકો પર સરસાઈમાં

સુલતાનપુરમાં ભાજપનાં મેનકા ગાંધી આગળ, હઝારીબાગ (ઝારખંડ)માં ભાજપના જયંત સિન્હા આગળ

રાયબરેલીમાં સોનિયા ગાંધી આગળ છે

કેરળના વાયનાડમાં રાહુલ ગાંધી સરસાઈમાં છે

કેરળના તિરુવનંતપુરમમાં કોંગ્રેસના શશી થરૂર પાછળ છે

રાજકોટઃ ભાજપના મોહન કુંડારિયા 12 હજાર મતોથી આગળ

ગુજરાતની 26 બેઠકો પૈકી 17ના ટ્રેન્ડ આવ્યાઃ 16 બેઠકો પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસ આગળ…

340 બેઠકોનાં ટ્રેન્ડ અનુસાર, ભાજપ 195, કોંગ્રેસ 100 બેઠકો પર આગળ. અન્ય ઉમેદવારો 53 પર બેઠક પર આગળ છે

બિહારમાં 40 બેઠકોમાંથી ભાજપ 40 સીટ પર આગળ, કોંગ્રેસ 9 બેઠકો પર આગળ

અમેઠીમાં ભાજપનાં સ્મૃતિ ઈરાની સામે કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી પાછળ

પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ 7, ભાજપ પાંચ સીટ પર આગળ

લખનઉમાં, ભાજપના ઉમેદવાર, કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સરસાઈમાં છે

ભોપાલમાં, ભાજપનાં સાધ્વી પ્રજ્ઞા આગળ છે. એમની સામે કોંગ્રેસના દિગ્વિજય સિંહ મુખ્ય હરીફ છે.

ભાજપના ઉમેદવારોએ સરસાઈમાં સેન્ચુરી પૂરી કરી. એના ઉમેદવારો 106 બેઠકો પર આગળ, કોંગ્રેસ 52 પર આગળ

રાજસ્થાનમાં 25માંથી 11 બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ છે

મહારાષ્ટ્રમાં 48 બેઠકો માટે ચૂંટણી થઈ છે. ભાજપના ઉમેદવારો 7, કોંગ્રેસના 2 બેઠક પર આગળ

કર્ણાટકમાં ભાજપ 6 સીટ પર આગળ છે, કોંગ્રેસ 3 સીટ પર

મતગણતરી કેન્દ્રો ખાતે સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે આજે લોકસભા ચૂંટણી-2019 માટે મતગણતરીનો આરંભ કરવામાં આવ્યો છે.


સૌથી પહેલાં પોસ્ટલ બેલટ (ટપાલમાં આવેલા મતો)ની ગણતરી કરવામાં આવીહતી.

મતગણતરી દરમિયાન હિંસા થવાની ભીતી હોવાથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ કરી દીધા હતા.

આ વખતની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગ્રુપને બહુમતી મળવાની એક્ઝિટ પોલ્સમાં આગાહી કરવામાં આવી હતી.

આજે છે લોકશાહીની પ્રક્રિયાનો મહત્વનો દિવસ. આવતા પાંચ વર્ષ માટે દેશનું સુકાન કોણ સંભાળશે એ આજે નક્કી થઇ જશે. ચૂંટણી પ્રચાર દરમ્યાન કરાયેલા રાજકીય દાવાઓમાંથી કોણ સાચું હતું અને કોનો દાવો પોકળ હતો એ દૂધનું દૂધ અને પાણીનું પાણી આજે થઇ જશે.

ગત 11 માર્ચથી દેશમાં અમલી બનેલી આચારસંહિતામાં રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવીને પ્રચાર કર્યો છે. આ વખતે લોકસભાની ચૂંટણી અનેક કારણોસર હાઈ વોલ્ટેજ રહી. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના રથ પર સવાર ભાજપ ફરી સરકાર રચવા થનગની રહ્યો છે તો કૉંગ્રેસે રાજકુંવર રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં દેશભરમાં ચૂંટણી લડી છે. નમોનો ‘મૈં ભી ચોકીદાર’ સામે કૉંગ્રેસના પંજાએ ‘ચોકીદાર ચૌર હૈ’ કેમ્પેઈન દ્વારા પંજો ભીડ્યો. એક્ઝિટ પોલ્સ ને ઓપિનિયન પોલ્સના વરતારા તરેહ-તરેહની વાતો વહેતી મૂકી રહ્યા છે એ બધા વચ્ચે રાહ જોવાય છે મતગણતરીના અંતિમ પરિણામની. એ પહેલાં, નાખી લઈએ આ વખતની ચૂંટણી-મતદાન-પ્રચારની રોચકસફર પર એક નજર.

11 એપ્રિલથી 19 મે સુધી સાત તબક્કામાં યોજાયેલી 17મી લોકસભા માટેની આ ચૂંટણીમાં અનેક રસપ્રદ વિગતો સમાયેલી રહી. સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાની 542 સીટો પર આ વખતે 67.11 ટકા મતદાન થયું હતું, જે ભારતીય મતદાનના ઈતિહાસમાં સૌથી વધુ છે. આંધ્ર પ્રદેશ,  અરુણાચલ પ્રદેશ, ઓરિસ્સા અને સિક્કિમમાં આ જ ચૂંટણીઓ સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ ગઈ. ગુજરાત વિધાનસભાની ચાર ખાલી થયેલી બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ ગઈ. ગુજરાત ઉપરાંત બિહાર, ગોવા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, મિઝોરામ, નાગાલેન્ડ, પોંડુચેરી, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ પેટાચૂંટણી માટે મતદાન થયું.

પૂરા બે મહિનાના આ સમય ગાળામાં નરેન્દ્ર મોદીએ 25 રાજ્યો અને 2 કેન્દ્રશાષિત પ્રદેશોમાં એક લાખ કિલોમીટર જેટલો પ્રવાસ ખેડીને 144 રેલીઓ સંબોધી તો એટલા જ સમયમાં રાહુલ ગાંધીએ 23 રાજ્યો અને 2 કેન્દ્રશાષિત પ્રદેશમાં 128 રેલીને સંબોધન કર્યું. જોકે નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી કરતાં 16 રેલી વધુ સંબોધી છે અને એ માટે 18 દિવસ ઓછા લીધા. બન્ને નેતાઓએ ઉત્તર પ્રદેશમાં જ સૌથી વધુ રેલીઓ સંબોધી હતી. નરેન્દ્ર મોદીએ એમની 144માંથી સૌથી વધુ 29 રેલી ઉત્તર પ્રદેશમાં સંબોધી હતી, પછી બંગાળમાં આ વખતે ભાજપનો ઘોડો આગળ મનાતો હોવાથી ત્યાં એમણે 17 રેલી સંબોધી હતી. ઉપરાંત બિહારમાં 11, મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશમાં 9-9 તથા રાજસ્થાનમાં 8 રેલીઓ મોદીએ સંબોધી હતી. રાહુલ ગાંધીએ 128માંથી 19 રેલી ઉત્તર પ્રદેશમાં, મધ્ય પ્રદેશમાં 17, રાજસ્થાનમાં 12, કેરળમાં 11 અને કર્ણાટક-બિહારમાં 7-7 રેલી સંબોધી હતી. એમના 51 દિવસના પ્રચારમાં નરેન્દ્ર મોદીએ રોજ 3થી 4 રેલી સંબોધી, જ્યારે બેવાર એક દિવસમાં પાંચ-પાંચ રેલીઓનું સંબોધન પણ એમણે કર્યું.

ખર્ચાની વાત કરીએ તો એક અનુમાન પ્રમાણે આ ચૂંટણી અને એના પ્રચારનો કુલ ખર્ચ આશરે સાત અબજ રૂપિયાએ પહોંચ્યો હતો. જોકે ખર્ચા સાથે ચૂંટણી પંચે આચારસંહિતા ભંગની ફરિયાદોમાંથી દંડ વસૂલીમાં પણ પાછીપાની નહોતી કરી. પ્રચારમાં રાજકીય પક્ષોના નેતાઓ એમની ક્ષમતા ને શક્તિ પ્રમાણે હદો વટાવતા રહ્યા. આઝમ ખાન સહિત ઘણાઓને ચૂંટણી પંચે ફટકારવા પડ્યા તો સત્તાને ઘણી છૂટછાટો આપવાના આરોપ સાથે વિરોધ પક્ષના નેતાઓ ચૂંટણી પંચની પણ ટીકા કરતા રહ્યા. નમો ટીવીથી લઈ નમોની બાયોપિક બનાવવા સુધીના મુદ્દા, વરિષ્ઠ નેતાઓના બેફામ નિવેદનો, મમતાદીદીનું વિવાદાસ્પદ કાર્ટૂન ને દીદીની વડાપ્રધાનને ‘લાફો’ મારી દેવાની ઈચ્છા જેવા જાતભાતની વરાયટીના મુદ્દા પણ આ દરમિયાન સામે આવતા રહ્યા.

કશ્મીરનું અનંતનાગ પુલવામા-શોપિયનના હુમલા ને આંતકીઓને લીધે માત્ર ચૂંટણીમાં જ નહીં, છેલ્લાં વરસોમાં સતત સમાચારોમાં રહી મહત્વનો વિસ્તાર રહ્યો પણ મતદાનમાં ત્યાં માત્ર 8.24ની જ ટકાવારી નોંધાઈ હતી. ચૂંટણી પ્રચારે પશ્ચિમ બંગાળમાં હિંસાત્મક રૂપ ધારણ કરી ભારે અશાંતિ ફેલાવી હતી તો અંતે અધ્યાત્મિક શાંતિમાં તલ્લીન થઈ નરેન્દ્ર મોદી કેદારનાથની ગુફામાં 24 કલાક ધ્યાનસ્થ રહ્યા.

અલબત્ત, આ બધા ધમપછાડાનો અંતે હવે સત્તાનો તાજ કોના માથે ચડે છે એ સવાલનો જવાબ આજે મળી જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]