મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના મીરા રોડ અને ભાયંદર ઉપનગરોમાં મીરા-ભાયંદર મહાનગરપાલિકાએ ગણેશોત્સવ નિમિત્તે વિસ્તારના ચોપાટી અને તળાવોમાં ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
કોરોના વાઈરસ બીમારીનો ફેલાવો રોકવા માટે મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે.
મહાપાલિકાએ ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે બંને શહેરમાં 51 ગણેશમૂર્તિ સ્વીકૃતિ કેન્દ્ર સ્થાપિત કર્યા છે. જ્યાં ગણેશ ભક્તો એમણે ગણેશોત્સવ માટે પધરાવેલી ગણપતિ બાપાની મૂર્તિ સુપરત કરી દેવાની જ્યાં મહાપાલિકાના સ્વયંસેવકો મૂર્તિનું વિસર્જન કરે છે.
મહાપાલિકાએ વાસ્તવમાં ગઈ 11 ઓગસ્ટે જ નિયમોની જાહેરાત કરી દીધી હતી.
લોકોને તથા સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને સૂચના આપવામાં આવી છે કે તેમણે કાં તો પોતાના ઘરમાં જ ગણપતિની ધાતુની મૂર્તિનું પૂજા કરીને એનું પ્રતીકાત્મક રીતે વિસર્જન કરવું અથવા મહાપાલિકા રચિત કૃત્રિમ તળાવોમાં મૂર્તિનું વિસર્જન કરાવવું.
ચોપાટી અને તળાવો ખાતે લોકોની ભીડ જામે નહીં એટલા માટે મહાપાલિકાએ નિર્ણય લીધો છે.
કોરોના હોટસ્પોટ વિસ્તારોમાં તો લોકોને એમના ઘરમાં જ ગણપતિ વિસર્જન કરવાનું કહી દેવામાં આવ્યું છે.
