મુંબઈઃ કાંદિવલી હિતવર્ધક મંડળ અને મુંબઈ કિડની ફાઉન્ડેશનના ઉપક્રમે શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળ હોસ્પિટલમાં તાજેતરમાં કેન્સર સહિતના દર્દીઓ માટેની પેઇન, પેલિયેટિવ એન્ડ હોમ કેર સર્વિસીસના નવા સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ નવા સેન્ટરનું ઉદઘાટન મુંબઈ મહાનગરપાલિકાના ઝોન-7નાં ડેપ્યુટી કમિશનર ડો. ભાગ્યશ્રી કાપસેને હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કેન્દ્રમાં આપવામાં આવનારી પેલિયેટિવ કેરમાં અનેક પ્રકારે દરદીઓની સુશ્રુષા અને દરદીને થતી પીડાનું નિવારણ કરવામાં આવે છે. સામાન્ય રીતે કેન્સરના દરદીઓ તથા અન્ય ગંભીર બીમારીઓને કારણે નિરાશ થઈ ચૂકેલા દરદીઓ માટે આવી સુવિધા મહત્ત્વની બની જાય છે. સ્ટ્રોક, અલ્ઝાઇમર્સ, કિડની અથવા હાર્ટ ફેઇલ્યોર દરદી, કેન્સરથી પીડિત પેશન્ટસ માટે આનો ઉપયોગ કરાય છે. જે દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવાનું શક્ય ન હોય એમને એમના ઘરે જ સેવા-ચાકરી કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે.
આ પ્રસંગે મુંબઈ મહાનગરપાલિકાનાં નાયબ કમિશનર ડો. ભાગ્યશ્રી કાપસેએ કહ્યું હતું કે પશ્ચિમનાં પરાંમાં હિતવર્ધક મંડળનું આ કેન્દ્ર પ્રથમ છે. સરકારી હોસ્પિટલો તથા ખાનગી ક્ષેત્રમાં આવાં વધુ કેન્દ્રોની સ્થાપના થવી જોઈએ.
મુંબઈ કિડની ફાઉન્ડેશનના ચેરમેન ડો. ઉમેશ ખન્નાએ કહ્યું હતું કે જે દરદીઓને પોતાની ગંભીર બીમારી વિશે ખબર પડી ગઈ હોય છે તેઓ પોતાને રાહત થાય એવી મદદ ઇચ્છતા હોય છે. એમના જીવનના છેલ્લા દિવસો ઓછામાં ઓછી માનસિક અને શારીરિક તકલીફ વગર પસાર થાય એ માટે એમને તથા પરિવારજનોને યોગ્ય કાઉન્સેલિંગની જરૂર હોય છે.
કાંદિવલી હિતવર્ધક મંડળના પ્રમુખ સતીશ દત્તાણી, મેનેજિંગ ટ્રસ્ટી વિનોદ વોરા, ડો. લલિત કપૂર, મુંબઈ કિડની ફાઉન્ડેશનના અધ્યક્ષ ડો. ઉમેશ ખન્ના, ટ્રસ્ટી મહેશ શાહ, ભાજપના નેતા યોગેશ સાગર, ટ્રસ્ટી બીજલ દત્તાણી, હોસ્પિટલના સંચાલિકા ડો. મિતા સિંઘ, માનદ સેક્રેટરી પંકજ શાહ, અનંતરાય મહેતા સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી.