ભાગી-ગયેલાઓમાં ભાગલા પડી જશેઃ આદિત્ય ઠાકરેનો દાવો

મુંબઈઃ શિવસેનામાં બળવો કરીને આશરે 40 જેટલા વિધાનસભ્યોની મદદ સાથે એકનાથ શિંદેએ ભાજપની સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે. શિંદે મુખ્ય પ્રધાન બન્યા છે જ્યારે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન બન્યા છે. આ પૂર્વેની મહાવિકાસ આઘાડી સરકારના ત્રણ ભાગીદાર પક્ષોમાંના એક, શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ એવો દાવો કર્યો છે કે, ‘શિવસેનામાંથી ફૂટી ગયેલા લોકોમાં પણ બે જૂથ પડી ગયા છે. એક જૂથ એવું છે, જેને જબરદસ્તીથી ભગાડી જવામાં આવ્યું હતું. એ જૂથના સભ્યો ફરી શિવસેનામાં આવવા માગે છે. જ્યારે બીજા જૂથના લોકો રાક્ષસી મહત્વાકાંક્ષાવાળા છે. જેમને શિવસેનામાં પાછાં આવવું હોય એમને માટે ‘માતોશ્રી’ના દરવાજા કાયમને માટે ખુલ્લા છે. ભાગી ગયેલાઓ માં ટૂંક સમયમાં જ બે જૂથ ઉઘાડા પડી જવાના છે.’ આદિત્ય ઠાકરેએ આજે કાંદિવલી, બોરીવલી ઉપનગરોમાં શિવસેનાની શાખાઓની મુલાકાત લીધી હતી અને શિવસૈનિકોને સંબોધિત કર્યા હતા.

આદિત્ય ઠાકરેએ આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ વિરોધી આંદોલનમાં ભાગ લીધો

ભાજપના સાથ સાથે મહારાષ્ટ્રમાં સત્તા પર આવેલી એકનાથ શિંદેની સરકારે મુંબઈ મેટ્રો લાઈન-3 માટેનો કાર-શેડ ફરી પાછો ગોરેગાંવ (પૂર્વ)માં આરે કોલોની વિસ્તારમાં લાવવાનું નક્કી કર્યું છે. આને કારણે ‘આરે બચાવો’ આંદોલન પણ ફરી શરૂ થયું છે. આરે કોલોનીને મુંબઈ શહેરનાં ફેફસાં તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ત્યાં ગાઢ જંગલ આવેલું છે. મેટ્રો કાર શેડને આરે કોલોનીમાં આવતો રોકવા માટે દેખાવકારો વિસ્તારના રસ્તાઓ પર આંદોલન કરી રહ્યાં છે. શિવસેના પાર્ટીના નેતા અને પાછલી સરકારના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે પણ આજે આંદોલનમાં સામેલ થયા હતા.

મહારાષ્ટ્રમાં જ્યારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર સત્તા પર હતી ત્યારે એણે મેટ્રો કાર શેડને આરે કોલોનીમાંથી કાંજુરમાર્ગ ઉપનગરમાં શિફ્ટ કરાવ્યો હતો. પરંતુ એ મામલો કાનૂની દાવપેંચમાં અટવાયો છે. ઠાકરે સરકારે આરે કોલોનીને રિઝર્વ્ડ વનવિસ્તાર તરીકે ઘોષિત પણ કર્યો હતો. આ વનવિસ્તારમાં પાંચ લાખ જેટલા વિવિધ વૃક્ષો છે. બે નદી પણ ત્યાં વહે છે અને કેટલાક સરોવરો પણ છે.

આદિત્ય ઠાકરેએ કહ્યું, ઉદ્ધવ ઠાકરેએ આરેની 808 એકર જમીનના વિસ્તારને વન તરીકે ઘોષિત કર્યો હતો. મેટ્રો કાર યાર્ડને ત્યાંથી બહાર કાઢવું જ જોઈએ. આપણી માનવીય લાલચ અને દયાવિહોણા સ્વભાવને આપણા શહેરની બાયોડાઈવર્સિટી (જૈવ વિવિધતા)ને નષ્ટ કરવાની છૂટ આપી ન શકાય. આરેના જંગલ અને પર્યાવરણનું રક્ષણ થવું જ જોઈએ.