મુંબઈ: કાંદિવલી સ્થિત કે.ઈ.એસ. (કાંદિવલી એજયુકેશન સોસાયટી) ઇન્ટરનૅશનલ સ્કૂલે હવે રાષ્ટ્રીય સ્તરે પણ નામના મેળવી છે. તે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રનું ગૌરવ બની છે. વર્ષ 2024-25ના એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા ગ્રૅન્ડ જ્યુરી રૅન્કિંગમાં કે.ઈ.એસ. સ્કૂલે મુંબઈ તથા મહારાષ્ટ્રમાં પ્રથમ અને સમગ્ર દેશમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
શિક્ષણ ક્ષેત્રે પ્રગતિશીલ નવોદિત શાળાઓને આ રૅન્કિંગ આપવામાં આવે છે. એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા ગ્રૅન્ડ જ્યુરી રૅન્કિંગનો વર્ષ 2016માં પ્રારંભ થયો હતો. જેમાં નવી શરૂ થયેલી શાળાઓને તેમના પ્રગતિના સ્તરના આધારે રૅન્કિંગ આપવામાં આવે છે. દરેક શાળાનું 14 માપદંડના આધારે વાર્ષિક ધોરણે રૅન્કિંગ કરવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને અને એમના દ્વારા સમાજને સમર્થ બનાવતી શાળાઓને બિરદાવવાનો આ એક પ્રયાસ છે. આ વર્ષે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટતા, નવસર્જન, સામુદાયિક સહભાગ તથા પ્રોફેશનલ વિકાસ એ માપદંડોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
કે.ઈ.એસ. ઇન્ટરનૅશનલ સ્કૂલના પ્રેસિડન્ટ મહેશ શાહે આ પ્રસંગે જણાવ્યું, “અમારે ત્યાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અનેક નાનાં-નાનાં પગલાં ભરવામાં આવ્યાં છે. અમે સતત કોઈને કોઈ સુધારા કરતાં રહીને સમયની સાથે તાલ મિલાવવા માટે હંમેશાં પ્રયત્નશીલ રહીએ છીએ. બાહ્ય જગતમાં ખીલી શકે અને વ્યક્તિત્વની દૃષ્ટિએ નીખરી શકે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા પર અમારી શાળા હંમેશા ભાર મૂકે છે.”